સૌરાષ્ટ્રમાં આજે પાટીદારો વચ્ચે PM મોદી, મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે

ગુજરાત
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (28 મે) ગુજરાતની મુલાકાતે છે. તેઓ રાજકોટના અટકોટમાં નવનિર્મિત માતુશ્રી કેડીપી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. હોસ્પિટલના ઉદ્ઘાટન બાદ પીએમ અહીં જનસભાને સંબોધશે. નરેન્દ્ર મોદીની આ મુલાકાત સૌરાષ્ટ્રના રાજકારણ માટે ખાસ માનવામાં આવી રહી છે કારણ કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અહીં મોટો ફટકો પડ્યો હતો.

200 બેડની મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ

પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપ માટે 100ના આંકડાને સ્પર્શવો પણ ભારે પડી ગયો હતો. ચૂંટણીમાં ભાજપ સામે સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જ જોવા મળી હતી. આવામાં આજે પ્રધાનમંત્રી અહીં પાટીદારોને પોતાના સંબોધન દરમિયાન શું સંદેશ આપશે એ જોવું રસપ્રદ રહેશે. વડાપ્રધાન મોદી આજે (28 મે)ના રાજકોટના જસદણ તાલુકાના અટકોટ ગામમાં 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. આ પછી તેઓ એક જનસભામાં પાટીદારોને પણ સંબોધશે. પાટીદાર નેતા પરેશ ગજેરાનું કહેવું છે કે, વડાપ્રધાનની આ રેલીમાં 3 લાખથી વધુ પાટીદારો ભાગ લેશે.

આમંત્રણમાં નરેશ પટેલનું નામ ગાયબ

પીએમ મોદીનો આ સમગ્ર કાર્યક્રમ લોકોમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે, કારણ કે આ કાર્યક્રમની શરૂઆતમાં જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે પાટીદાર સામાજિક નેતા નરેશ પટેલનું નામ નહોતું. આ ઉપરાંત ખોડલધામ સંસ્થાન લેઉવા પટેલના કુળદેવીના મંદિરના અધ્યક્ષનું પણ આમંત્રણમાં નામ નહોતું. આ અંગે જ્યારે વિવાદ શરૂ થયો ત્યારે ખુદ ભાજપના ઉપપ્રમુખ ભરત બોધરાએ કહ્યું હતું કે, તેઓ એક નવું કાર્ડ પ્રિન્ટ કરાવશે જેમાં તેમનું નામ હશે. પરંતુ નરેશ પટેલનું નામ તેમ છતાં ગાયબ રહ્યું હતું.

પરેશ ગજેરા થકી પાટીદાર વોટ રોકશે ભાજપ

તો ખોડલધામ સંસ્થાનના બીજા મોટા પાટીદાર નેતા પરેશ ગજેરાને ભાજપે ઘણું મહત્વ આપ્યું છે. રાજકીય જાણકારોનું કહેવું છે કે નરેશ પટેલનો કોંગ્રેસ તરફનો ઝુકાવ તેનું કારણ હોઈ શકે છે, તેથી ભાજપ પરેશ ગજેરાને પ્રાધાન્ય આપી રહ્યું છે. પરેશ ગજેરા સૌરાષ્ટ્રના જાણીતા બિલ્ડર છે. તેમનું કદ વધારીને ભાજપ પાટીદારોમાં પોતાનો પ્રવેશ મજબૂત કરવા માંગે છે જેથી વોટની રમત બગડે નહીં. ભાજપની વિચારસરણી એવી પણ છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જવાનું નક્કી કરે તો પણ પરેશ ગજેરા થકી પાટીદાર મતદારોને રોકી શકાય.

હાર્દિકની વિદાય બાદ નરેશ પટેલના ભરોસે કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી હાર્દિક પટેલે રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસની નજર નરેશ પટેલ પર ટકેલી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સતત તેમના સંપર્કમાં છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે ગુજરાતની સત્તા પર કબજો મેળવવો હોય તો પાટીદાર વોટબેંકનો સાથ લેવો પડશે, તેથી હાર્દિક પટેલની વિદાય થતાં જ કોંગ્રેસ આશા સાથે નરેશ પટેલની પડખે રહી છે. નરેશ પટેલ પાટીદાર સમાજનો જાણીતો ચહેરો છે. તેઓ ધાર્મિક સંસ્થા ખોડલધામના અધ્યક્ષ પણ છે.

2017માં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ભાજપ પર પડ્યું હતું ભારે

સૌરાષ્ટ્રની 54 બેઠકોની 2017ની ચૂંટણીમાં ભાજપને અહીં કોંગ્રેસ સામે સખત ટક્કર મળી હતી. પાટીદાર આંદોલનને કારણે કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં 55% બેઠકો એટલે કે 30 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે 33% બેઠકો એટલે કે 23 બેઠકો જીતી હતી. જણાવી દઈએ કે વર્ષ 2015માં પાટીદાર આંદોલન દરમિયાન 14 પાટીદાર યુવાનોના મોત થયા હતા. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પર ઓબીસી હેઠળના અનામત ક્વોટામાં પાટીદારોને સમાવવા માટે દબાણ વધ્યું હતું. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પાટીદારોની નારાજગી સહન કરવી પડી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.