
પાકિસ્તાનઃ આત્મઘાતી હુમલા પાછળ ISISનો હાથ, તાલિબાને કહ્યું- દુશ્મની ઉભી કરવાની થઇ રહી છે કોશિશ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌરમાં એક રાજકીય રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે. પાકિસ્તાન પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે પ્રાથમિક તપાસમાં આ આત્મઘાતી હુમલા પાછળ ખતરનાક આતંકવાદી સંગઠન ISISનો હાથ હોવાનું સામે આવ્યું છે. રવિવારે ખાર શહેરમાં શાસક ગઠબંધનના સહયોગી જમિયત ઉલેમા ઈસ્લામ-ફઝલની રેલી યોજાઈ રહી હતી ત્યારે આત્મઘાતી હુમલો થયો હતો.
પાકિસ્તાન પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અમે હજુ પણ બાજૌર વિસ્ફોટની ઘટના અંગે તપાસ કરી રહ્યા છીએ અને માહિતી એકઠી કરી રહ્યા છીએ. પ્રાથમિક તપાસમાં પ્રતિબંધિત સંગઠન Daesh (ISIS)ની સંડોવણી બહાર આવી છે. પોલીસે ત્રણ શકમંદોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ સ્થળ પર પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. ખૈબર પખ્તુનખ્વાના પોલીસ વડા અખ્તર હયાત ખાને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં 10 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આત્મઘાતી બોમ્બર ભીડની સામે અને સ્ટેજની નજીક હતો.
ટીટીપીએ કહી મોટી વાત
બાજૌર વિસ્તાર પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર સ્થિત છે અને તેને તાલિબાન પ્રભાવનો વિસ્તાર માનવામાં આવે છે. આ જ કારણ છે કે તાલિબાનના પ્રભાવ હેઠળના વિસ્તારમાં આટલા મોટા હુમલાની ઘણી ચર્ચા છે. જે પાર્ટીની રેલી નીકળી હતી તે જમિયત ઉલેમા ઈસ્લામ-ફઝલને પણ કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠનોનો સમર્થક માનવામાં આવે છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને પણ બાજૌરમાં થયેલા વિસ્ફોટને લઈને નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં ટીટીપીએ કહ્યું છે કે આ હુમલો ઈસ્લામિક સંગઠનોને એકબીજા સામે ઉભો કરવા માટે કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ISIS અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઘણા JUI-F નેતાઓના મોત
હુમલામાં જમીયત ઉલેમા ઈસ્લામ-ફઝલના ઘણા નેતાઓના મોત થયા છે. હુમલાખોરે સ્ટેજ પાસે જ પોતાની જાતને ઉડાવી દીધી હતી. જેના કારણે આ હુમલામાં પાર્ટીના તહેસીલ ખાર ચીફ મૌલાના ઝિયાઉલ્લા જાન, નવાગઈ તહસીલના જનરલ સેક્રેટરી મૌલાના હમીદુલ્લાહ, જિલ્લા માહિતી સચિવ મુજાહિદ ખાન અને પાર્ટીના ઘણા કાર્યકરો માર્યા ગયા હતા. હુમલામાં ઘાયલ 15 લોકોની હાલત ગંભીર છે અને તેઓને પાકિસ્તાની સેનાના હેલિકોપ્ટર દ્વારા પેશાવરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોની સ્થિતિને જોતા માનવામાં આવે છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.