
ઓપરેશન કાવેરી હેઠળ 360 લોકો ભારત આવી પહોંચ્યા
સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સુદાનમાં સ્થિતિ વણસી છે.ત્યારે ત્યાં લગભગ 3000 જેટલા ભારતીયો ફસાયેલા છે.ત્યારે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારત સરકારે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે.જેના અંતર્ગત 360 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ દિલ્હી ખાતે પહોંચી હતી.ત્યારે એરપોર્ટ પર પહોંચતા જ લોકોએ ભારત માતા કી જય,ભારતીય સેના ઝિંદાબાદ,પીએમ નરેન્દ્ર મોદી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.આ ઓપરેશનનું નામ કાવેરી નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે,જે કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે વહે છે.સુદાનમાં ફસાયેલા મોટાભાગના લોકો દક્ષિણ ભારતના જ છે.આ પ્રથમવાર નથી કે જ્યારે ઓપરેશન રેસ્ક્યુનું નામ નદીના નામ પર રાખવામાં આવ્યું હોય.આ સિવાય ગયા વર્ષે યુક્રેન પર રશિયાના હુમલાના પગલે ભારતે ઓપરેશન ગંગા શરૂ કર્યું હતું.જેના અંતર્ગત યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા.