નાલંદાની શાળામાં દૂષિત પાણી પીવાથી એક બાળકીનું મોત, 9 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા
બિહારના નાલંદા જિલ્લાની કસ્તુરબા ગાંધી કન્યા શાળામાં એક બાળકીનું મોત થયું છે, જ્યારે 9 વિદ્યાર્થીનીઓ બીમાર પડી છે. કહેવામાં આવી રહ્યું છે કે દૂષિત પાણી પીવાના કારણે આ મોટી ઘટના બની છે. નાલંદા જિલ્લા પ્રશાસનનું કહેવું છે કે મૃત્યુ પામેલી છોકરી સ્કૂલની વિદ્યાર્થીની નહોતી અને તે સ્કૂલમાં તેના મિત્રોને મળવા આવી હતી. આ સિવાય 9 અન્ય બીમાર વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. પાણીના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
નાલંદા જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક શુભંકરે મંગળવારે જણાવ્યું હતું કે, “શાળાના અન્ય વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, કેટલીક વિદ્યાર્થીનીઓએ સોમવારે શાળાના પરિસરમાં સ્થાપિત ‘RO સિસ્ટમ’માંથી પાણી પીધા બાદ ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેઓને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક બાળકીનું મોત થયું હતું. આ છોકરી શાળાની વિદ્યાર્થીની નહોતી. નવ બીમાર વિદ્યાર્થીનીઓની હાલત સુધરી રહી છે.” તેમણે કહ્યું કે પોલીસે મૃતક છોકરીના વિસેરાના નમૂના પરીક્ષણ માટે મોકલ્યા છે.