ભારે વરસાદથી મુંબઈ લથપથ, 24 કલાકમાં 135 મીમી વરસાદ નોંધાયો
મુંબઈ શહેરમાં વરસાદે લોકોને પરેશાન કરી દીધા છે. ભારે વરસાદને કારણે મુંબઈમાં પાણી ભરાઈ જવાના, રસ્તાઓ પર જાહેર અને ખાનગી વાહનવ્યવહાર ખોરવાઈ જવાના અને લોકલ ટ્રેનોની આંશિક અસરના અહેવાલો છે. દરેક પ્રકારના જોખમથી બચવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફની એક ટીમ શહેરમાં તૈનાત કરવામાં આવી છે.
મુંબઈમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડી રહ્યો છે, છેલ્લા 12 કલાકમાં ચોમાસાના વરસાદને કારણે શહેરમાં પાણી ભરાઈ જવા અને ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જાહેર અને ખાનગી વાહનવ્યવહાર બંનેને અસર થઈ છે. શહેરના મુલુંડ અને મલબાર હિલ્સમાં સવારે માત્ર એક કલાકમાં 34 મીમી વરસાદ નોંધાયો હતો. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 135 મીમી વરસાદ નોંધાયો હતો.
NDRFની ત્રણ ટીમો તૈનાત
ભારે વરસાદની સતત આગાહીને કારણે, NDRFની ત્રણ ટીમો મુંબઈમાં કામ કરી રહી છે અને ભારત હવામાન વિભાગ (IMD) એ શહેર માટે યલો એલર્ટ જારી કર્યું છે. IMD એ શહેર અને ઉપનગરોમાં ભારેથી અતિ ભારે વરસાદની સાથે અલગ-અલગ સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરી છે.