મોદી: આર્થિક ગુનાખોરી અટકાવો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના ૬૫ સ્થાપના દિવસે મેસેજ આપતા કહ્યું હતું કે નૂતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આર્થિક ગુનાખોરી ડામવી જોઈએ. વધતી ઓનલાઈન ગુનાખોરી બાબતે પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી અને તેની સામે મજબૂત લડત આપવા અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો.
પીએમ મોદીએ ડીઆરઆઈના સ્થાપના દિવસે કહ્યું હતું કે ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે લડત ચલાવવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત હંમેશા આગળ રહ્યું છે. ભારતે આવા ગુનેગારોને પાછા લાવવા અને તેની સામે યોગ્ય કાર્યવાહી થાય તે માટે સતત અવાજ ઉઠાવ્યો છે. આર્થિક ગુનાખોરી રોકવા માટે અધિકારીઓ નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે તે સમયની માગ છે. વડાપ્રધાને કહ્યું હતું કે દુનિયાભરમાં આર્થિક અપરાધો વધ્યા છે. સમસ્યા વૈશ્વિક બની છે ત્યારે સમાધાન પણ વૈશ્વિક હોવું જોઈએ. બધા જ દેશોએ સંગઠિત થઈને આવી ગુનાખોરી સામે લડત આપવાની જરૂર છે.ડીઆરઆઈની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશના આર્થિક હિતો જાળવવામાં સંસ્થા બહુ જ પ્રયત્નશીલ છે. ૨૦૨૧-૨૨ના વર્ષમાં ડીઆરઆઈએ ૩૪૬૩ કિલો હેરોઈન, ૮૩૩ કિલોગ્રામ સોનું અને ૩૨૧ કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. ડીઆરઆઈના સ્થાપના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે ગુનેગારો અધિકારીઓથી વધારે ચાલાક ન હોઈ શકે. દેશમાં ડ્રગ્સનો મોટો જથ્થો પહોંચાડતા દાણકારો અને ડ્રગ્સ રેકેટના માસ્ટર માઈન્ડને પકડવા જરૂરી છે. તેમણે ટેકનોલોજીને બેધારી તલવાર ગણાવીને ઉમેર્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનેગારો ગુનો આચરે છે. એની સામે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ લડત ચલાવી શકાય તેમ છે. ભારતને ડ્રગ્સ સામે નિયંત્રણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે કહ્યું હતું કે આ એજન્સી દેશની સુરક્ષા માટે, દેશની આર્થિક સુરક્ષા માટે અને દેશવાસીઓના આર્થિક હિતો જાળવવા માટે કટિબદ્ધ છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને વધારે કાર્યક્ષમ બનાવવા પર તેમણે ભાર આપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.