
મિઝોરમમાં મોટી દુર્ઘટના, આઈઝોલ પાસે નિર્માણાધીન રેલવે બ્રિજ તૂટી પડતાં 17 લોકોનાં મોત
મિઝોરમથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજધાની આઈઝોલથી લગભગ 21 કિમી દૂર સાયરાંગ વિસ્તાર પાસે બુધવારે સવારે 11 વાગ્યે એક નિર્માણાધીન રેલવે પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 17 કામદારોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થવાની અને કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.
આઈઝોલ સુધી રેલ્વે કનેક્ટિવિટી લાવવા માટે બનાવવામાં આવી રહેલા બ્રિજ પર દુર્ઘટના સમયે 40 બાંધકામ કામદારો હતા. સમાચાર અહેવાલો અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી અત્યાર સુધીમાં લગભગ 17 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય કેટલાક ગુમ હોવાના અહેવાલ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે યંગ મિઝો એસોસિએશનની સાયરાંગ શાખા ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR)ના મુખ્ય જનસંપર્ક અધિકારી સબ્યસાચી ડેએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે અકસ્માત પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. દુર્ઘટના સમયે બ્રિજ પર કેટલા લોકો હાજર હતા તે પણ સ્પષ્ટ નથી. તેમણે કહ્યું કે જે પુલ તૂટી પડ્યો તે ભારતીય રેલ્વેના પૂર્વોત્તર ક્ષેત્રની તમામ રાજ્યની રાજધાનીઓને જોડવાના પ્રોજેક્ટનો એક ભાગ હતો. તે છેલ્લા કેટલાક વર્ષોથી નિર્માણાધીન છે.