Home / News / મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે સૌથી વધુ 6,185 કેસ નોંધાયા, દિલ્હી અને કેરળમાં નવા કેસમાં ઘટાડો
મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે સૌથી વધુ 6,185 કેસ નોંધાયા, દિલ્હી અને કેરળમાં નવા કેસમાં ઘટાડો
કોરોનાના નવા કેસમાં મહારાષ્ટ્ર ફરી ચિંતામાં વધારો કરી રહ્યું છે. અહીં સતત બે દિવસથી સૌથી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 6,185 નવા કેસ નોંધાયા, 4089 સાજા થયા અને 486 દર્દીનાં મોત થયાં, જેની તુલનામાં દિલ્હીમાં 5,482 અને કેરળમાં 3,966 કેસ નોંધાયા. તો આ તરફ દેશમાં ગુરુવારે 41 હજાર 353 કેસ નોંધાયા, 41 હજાર 177 દર્દી સાજા થયા અને 486 લોકોનાં મોત થયાં, 319 એક્ટિવ કેસ વધ્યા.
દેશમાં અત્યારસુધીમાં કોરોનાના 93.51 લાખ કેસ આવી ચૂક્યા છે, 87.58 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, 1.36 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 4.53 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સંક્રમણની બીજી લહેર
રાજસ્થાનમાં સતત 21 દિવસથી એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી છે. મધ્યપ્રદેશમાં 12 દિવસ અને ગુજરાતમાં નવ દિવસથી એક્ટિવ કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર પણ હવે આ યાદીમાં સામેલ થઈ ગયું છે. અહીં પણ સતત સાત દિવસથી એક્ટિવ કેસમાં વધારો નોંધાયો છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 2011, રાજસ્થાનમાં 881, ગુજરાતમાં 203, મધ્યપ્રદેશમાં 478 એક્ટિવ કેસ વધ્યા છે.
ભારત દુનિયાનો બીજો દેશ, જ્યાં સૌથી વધુ દર્દી નોંધાઈ રહ્યા છે
ભારત નવા દર્દીઓની બાબતમાં દુનિયામાં ફરી બીજા નંબર પર આવી ગયો છે. અહીં દરરોજ 35,000-44,000 સંક્રમિત નોંધાઈ રહ્યા છે. એક સપ્તાહ પહેલાં સુધી ભારત ચોથા અને પાંચમા નંબરે હતો. અમેરિકા આ મામલામાં ટોપ પર છે. અહીં દરરોજ 1 લાખથી વધુ કેસ વધી રહ્યાં છે.
રાહતની વાત છે કે કોરોનાથી થતા મોતના કેસમાં ભારતની સ્થિતિ થોડીક સારી છે. દુનિયામાં ભારત હવે 8મો દેશ બની ગયો છે, જ્યાં દરરોજ સૌથી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. 25 નવેમ્બરે તે 5મા નંબરે હતો.