ગયા વર્ષે ૧૨ લાખ ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી હતી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વોશિંગ્ટન, અમેરિકાએ ભારતીયોના વિઝા પ્રોસેસ કરવાની ઝડપ વધારી દીધી છે. કેટલાય સમયથી ફરિયાદ હતી કે અમેરિકા વિઝા આપવામાં બહુ ધીમી ગતિએ કામ કરે છે. જોકે, હવે વિઝાની પ્રોસેસ અગાઉ કરતાં ફાસ્ટ બની છે અને ચાલુ વર્ષમાં ૧૦ લાખ ભારતીયોની નોન -ઇમિગ્રન્ટ વિઝા અરજીને અમેરિકાએ પ્રોસેસ કરી દીધી છે. વર્ષ ૨૦૧૯માં અમેરિકાએ જે વિઝા પ્રોસેસ કર્યા હતા તેની સાથે સરખામણી કરવામાં આવે તો ૨૦૨૩માં ૨૦ ટકા વધુ અરજીઓ પ્રોસેસ થઈ છે તેમ કહી શકાય.

ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે કરેલી જાહેરાત પ્રમાણે ગયા વર્ષે ૧૨ લાખ ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી હતી. એટલે કે ભારત અને યુએસ વચ્ચે ટ્રાવેલના સંબંધો ગાઢ બની રહ્યા છે. અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે અમેરિકાને હાલમાં આખી દુનિયામાંથી જે વિઝા અરજીઓ મળે છે તેમાં એકલા ભારતનો હિસ્સો ૧૦ ટકા છે. યુએસ માટે સ્ટુડન્ટ વિઝાની જે અરજીઓ આવે છે તેમાં ૨૦ ટકા અરજીઓ ભારતની હોય છે જ્યારે એમ્પ્લોયમેન્ટની કેટેગરીમાં ૬૫ ટકા અરજીઓ ભારતથી થઈ હોય છે. અમેરિકા આ બાબતથી ખુશ છે અને મોટી સંખ્યામાં ભારતીયોને પોતાને ત્યાં આવકારવા માટે તૈયાર છે. અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીએ તો ત્યાં સુધી કહ્યું કે ભારત સાથે અમારી પાર્ટનરશિપ એ અમેરિકાની સૌથી મહત્ત્વની દ્વિપક્ષીય હિસ્સેદારી પૈકી એક છે.

તાજેતરમાં જ અમેરિકાએ રંજુ સિંઘ અને તેના પતિને વિઝા આપ્યા છે. આ સાથે ચાલુ વર્ષમાં ભારતીયોને અપાયેલા વિઝાની સંખ્યા ૧૦ લાખ થઈ ગઈ છે. રંજુ અને તેના પતિ અમેરિકાની વિઝિટ કરવાની યોજના ધરાવે છે જેમનો પુત્ર યુએસની કોલેજમાં ભણે છે. અમેરિકન રાજદૂતે આ બંનેને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે તમે અમેરિકામાં ભણતા હોવ, કામ કરતા હોવ, વેકેશન ગાળો કે રોકાણ કરવા માગતા હોવ, તમારા યોગદાનથી આ સંબંધો મજબૂત બનશે. અમેરિકન દૂતાવાસે કહ્યું કે તે વિઝા આપવામાં અગાઉના રેકોર્ડ તોડશે અને વધુને વધુ ભારતીયોને વિઝા આપવા માંગે છે.

છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકન મિશને ભારતમાં પોતાના સ્ટાફની સંખ્યા વધારી છે જેથી વિઝા આપવાની પ્રોસેસ ઝડપી બને. ચેન્નાઈના કોન્સ્યુલેટ ખાતે હાલની સુવિધા વધારવામાં આવી છે અને હૈદરાબાદમાં એક નવી કોન્સ્યુલેટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. હજુ પણ ભારતમાં કોન્સ્યુલેટની કામગીરીમાં રોકાણ કવધારવામાં આવશે. ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે ટ્વિટર પર એક વીડિયો મૂકીને એક મિલિયન વિઝાની સિદ્ધિને બિરદાવી છે.

ભારતથી અમેરિકા હાયર એજ્યુકેશન માટે જતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ભારતીય સ્ટુડન્ટ્સ માટે ટોપ ત્રણ દેશોમાં અમેરિકા, કેનેડા અને યુકેનો સમાવેશ થાય છે. હાલમાં ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ આવી છે, પરંતુ વિઝા આપવાની વાત આવે છે ત્યાં સુધી અમેરિકાએ પોતાની ઝડપમાં ભારે વધારો કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.