પાકિસ્તાનમાં ભૂસ્ખલનને કારણે મકાન ધરાશાયી, એક જ પરિવારના 12 સભ્યોના મોત
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં શુક્રવારે ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થતાં ભૂસ્ખલનમાં નવ બાળકો સહિત એક પરિવારના ઓછામાં ઓછા 12 સભ્યોનાં મોત થયાં હતાં, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર જિલ્લાના મેદાન વિસ્તારમાં બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ 12 મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને તબીબી-કાનૂની ઔપચારિકતા માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
સમગ્ર દેશમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના
ડૉન અખબારે એક અધિકારીને ટાંકીને કહ્યું કે આ ઘટનામાં બે મહિલાઓ, એક પુરુષ અને નવ બાળકોના મોત થયા છે. પાકિસ્તાનમાં તાજેતરના સમયમાં ભારે મોસમી વરસાદ થયો છે. પાકિસ્તાનમાં જુલાઈથી સપ્ટેમ્બર સુધી ચોમાસાની મોસમ ચાલે છે. પાકિસ્તાન હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દેશભરમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે.
આ સમયગાળા દરમિયાન સિંધ, ઉત્તર-પૂર્વ/દક્ષિણ બલૂચિસ્તાન, ઉત્તર-પૂર્વ/મધ્ય પંજાબ, પોતોહાર પ્રદેશ, ઈસ્લામાબાદ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં ભારે વરસાદની સંભાવના છે, હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું. ભારે વરસાદના કારણે મુરી, ગલિયાત, માનસેહરા, કોહિસ્તાન, ચિત્રાલ, ડીર, સ્વાત, શાંગલા, બુનેર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભૂસ્ખલનની સંભાવના છે. પાકિસ્તાનના તટીય વિસ્તાર સિંધના કિનારે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ‘ગંભીર’ ચક્રવાતી વાવાઝોડાની પણ શક્યતા છે.