જાપાનને નવા વડાપ્રધાન મળશે ફુમિયો કિશિદાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય : રાજીનામું આપશે
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ આવતા મહિને પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ સપ્ટેમ્બરમાં સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના નેતા પદેથી રાજીનામું આપશે.
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે બુધવારે (14 ઓગસ્ટ) કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં યોજાનારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના અધ્યક્ષની ચૂંટણી લડશે નહીં. જાપાનમાં સત્તાધારી પાર્ટીના અધ્યક્ષને વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવે છે. કિશિદાની આ જાહેરાત બાદ હવે નક્કી થઈ ગયું છે કે દેશને નવા વડાપ્રધાન મળશે.
જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ કહ્યું, “એકવાર નવા અધ્યક્ષ નક્કી થઈ જાય, તો હું આશા રાખું છું કે દરેક લોકો એકજુથ થશે અને વધુ સારી ટીમ બનાવશે, જેથી એવી રાજનીતિ કરી શકાય, જેને લોકો સમજી શકે”
કિશિદા પછી કોણ બનશે આગામી PM? : જાપાનમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ની સંસદના બંને ગૃહોમાં બહુમતી છે. પીએમ કિશિદાની ચૂંટણી ન લડવાની જાહેરાત બાદ હવે (LDP)ના અધ્યક્ષ પદ માટે ચૂંટણી જીતનાર જ જાપાનના આગામી વડાપ્રધાન બનશે.
(LDP)ના ઘણા મોટા નેતાઓ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી લડવાની રેસમાં છે. જેમાં પાર્ટીના મહાસચિવ તોશિમિત્સુ મોટેગી, ડિજિટલ મંત્રી તારો કોનો, આર્થિક સુરક્ષા મંત્રી સાને તાકાઈચી અને વિદેશ મંત્રી યોકો કામિકાવાનું નામ સામેલ છે. અહેવાલો અનુસાર, અધ્યક્ષની ચૂંટણી જીતનાર વિજેતા કિશિદાના સ્થાને પાર્ટી અધ્યક્ષ બનશે અને ટૂંક સમયમાં સંસદીય મતદાનમાં નવા વડાપ્રધાન તરીકે ચૂંટાશે.