
સીરીયાના લશ્કરી મથકો પર ઈઝરાયેલના હવાઈ હુમલા
ઇઝરાયેલનાં વાયુદળે સીરીયામાં લશ્કરી મથકો પર હુમલા શરૂ કરી દીધા છે, તે સાથે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ માત્ર મર્યાદિત વિસ્તાર પૂરતું નહીં રહેતાં મધ્ય પૂર્વમાં વ્યાપી રહેવાની ભીતિ દેખાઈ રહી છે.આ અંગે ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે સીરીયામાંથી મિસાઈલ હુમલાઓ કરતાં આજે સવારથી ઇઝરાયેલી વાયુદળનાં વિમાનોએ સીરીયામાં લશ્કરી મથકો ઉપર વળતા હુમલાઓ શરૂ કરી દીધા હતા. આ હુમલાઓ અંગે ઇઝરાયેલની સેનાએ વધુ વિગતો આપી નથી. માત્ર તેટલું જ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે સીરીયામાંથી થયેલા (મિસાઇલ્સ) હુમલાના જવાબમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે સીરીયાનાં સંરક્ષણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે સીરીયાના કબજામાં રહેલા ગોલન-હાઇટ્સ વિસ્તાર પાસેનાં ‘ધરા’ પ્રદેશમાં આવેલા બે વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેથી અમારા કેટલાંક લશ્કરી સાધનો નાશ પામ્યા છે.બીજી તરફ સીરીયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ વૉર-સોનિટરે જણાવ્યું હતું કે, બાજુની અમારા કબજા નીચેની ગોલન હાઇટ્સ પાસેનાં લશ્કરી મથકો ઉપર ઇઝરાયેલે હવાઈ હુમલા કર્યા હતા. તેણે એક આર્ટિલરી બટાલિયનને ખાસ નિશાન બનાવી હતી. આથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધ મધ્યપૂર્વમાં વિસ્તરવાની ભીતિ વધી છે.
આ પૂર્વે સીરીયા અને ઇરાકમાં રહેલાં અમેરિકાનાં લશ્કરી મથકો ઉપર પણ આતંકવાદીઓએ શ્રેણીબદ્ધ હુમલા કરી રહ્યાં છે. આ હિઝબુલ્લા આતંકીઓ હોવાનું અમેરિકાનું સ્પષ્ટ અનુમાન છે. હિઝબુલ્લા આતંકીઓનું સર્જક જે ઇરાન છે તેમ પણ અમેરિકાનાં જાસૂસ તંત્રે નિશ્ચિત રીતે કહ્યું છે. તેઓ ગાઝા યુદ્ધ શરૂ થયું ત્યારથી સક્રિય છે. લેબેનોનમાં તેમનું મુખ્ય મથક છે. અન્ય મથકો પણ છે. તેમના રોકેટ ફાયરનો ઇઝરાયેલ લેબોનનમાં પણ વળતા હવાઈ હુમલા દ્વારા બરોબરનો જવાબ આપે છે. ટૂંકમાં આ યુદ્ધ હવે તમામ ગણતરીઓથી પર બની રહ્યું છે. વ્યાપક બનતું જાય છે, તીવ્ર બનતું જાય છે. ઉલ્લેખનીય તે છે કે, ઓક્ટોબરની સાતમીએ હમાસે ઇઝરાયેલ ઉપર રોકેટ હુમલા કર્યા ત્યારથી ઇઝરાયેલ-હીઝબુલ્લા વચ્ચે સતત સામ સામે ગોળીબાર થતા રહ્યાં છે. ગાઝાપટ્ટીમાં રહેતા હમાસના આતંકીઓએ ૭મી ઓક્ટોબરે અચાનક કરેલા હુમલાને લીધે દક્ષિણ ઇઝરાયેલમાં આશરે ૧,૪૦૦ના જાન ગયા છે.