રાજસ્થાનમાં રાજ્યપાલને વાંધો છતા સરકારની 31 જુલાઇએ સત્ર આયોજિત કરવા માંગ
રાજસ્થાનમાં રાજકીય ડ્રામાનો આજે 19મો દિવસ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે કેબિનેટ બેઠકમાં નક્કી થયું હતું કે વિધાનસભાનું સત્ર 31 જુલાઇએ બોલાવવાની માંગણી ચાલુ રાખવામા આવશે. અઢી કલાક ચાલેલી બેઠકમાં રાજ્યપાલ તરફથી જે વાંધા ઉઠાવવામા આવ્યા છે તેની ચર્ચા થઇ. હવે સરકાર ફરી સત્ર બોલાવવા માટે ત્રીજી વખત રાજ્યપાલને અરજી સોંપશે.
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ રાજસ્થાનમાં ચલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે કોંગ્રેસ અને અશોક ગેહલોત વિરુદ્ધ કોર્ટમાં જવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે BSPના 6 ધારાસભ્યોને કોંગ્રેસમાં સામેલ કરાવવા ગેરબંધારણીય હતું. અમે આ કેસને એમ જ નહીં જવા દઇએ, જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જઇશું.
માયાવતીએ કહ્યું કે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટીના 6 ધારાસભ્યો ચૂંટાયા હતા. તે સમયે અમે કોંગ્રેસને શરત વિના સમર્થન આપ્યું હતું. પરંતુ દુર્ભાગ્ય એ રહ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઇરાદાઓના લીધે અમારી પાર્ટીને ઘણુ નુકસાન થયું. અમે અમારા ધારાસભ્યોને કહ્યું હતું કે રાજસ્થાન વિધાનસભામાં કોઇ પણ પ્રકારના વોટિંગ સમયે કોંગ્રેસ વિરુદ્ધ વોટિંગ કરે. જો તેઓ આવુ નહીં કરે તો તેમનું પાર્ટીનું સભ્યપદ સસ્પેન્ડ કરી નાખવામા આવશે.