૨૦૨૨માં ૧૮૪ દેશોથી ૫૫૧૪૦૫ વિદ્યાર્થીઓ કેનેડા આવ્યા હતા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, છેલ્લા થોડા વર્ષોથી ભારતીયોમાં વિદેશમાં જઈને સ્થાયી થવાનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. શાળાકીય અભ્યાસ પૂરો થતાં જ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ અમેરિકા, યુકે, કેનેડા કે ઓસ્ટ્રેલિયાની વાટ પકડી લે છે. એમાંય કેનેડા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે છે. મોટાભાગના લોકો સારી લાઈફસ્ટાઈલ, સારા પગાર અને ક્વોલિટી એજ્યુકેશન માટે કેનેડા જતાં હોય છે. પરંતુ અત્યારે હકીકત કંઈક અલગ જ છે. કેનેડામાં હાલ નોકરીની અછત છે અને મકાન મળવા પણ મુશ્કેલ છે. જેના લીધે કેટલાય ભારતીય વિદ્યાર્થીઓ મોટેલ કે બેઝમેન્ટમાં રહેવા મજબૂર થયા છે. ઈમિગ્રેશન, રેફયુજીસ એન્ડ સિટિઝનશીપ કેનેડાના રેકોર્ડ પ્રમાણે, ૨૦૨૨માં ૧૮૪ દેશોમાંથી ૫,૫૧,૪૦૫ વિદ્યાર્થીઓ કેનેડા આવ્યા હતા.

જેમાંથી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૨.૨૬ લાખ છે. ૨૦૨૨ના અંત સુધીમાં કેનેડામાં વેલિડ સ્ટડી પરમિટ પર રહેતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો આંકડો ૮,૦૭,૭૫૦ પર પહોંચ્યો છે, જે ઓલ ટાઈમ હાઈ છે. કેનેડામાં દુનિયાભરના દેશોમાંથી વિદ્યાર્થીઓ આવી રહ્યા છે પરંતુ તેમના માથે છત નથી. મકાનોની તંગી, જે-તે વિસ્તારના પરિચયનો અભાવ અને રેન્ટલ સ્કેમના લીધે વિદ્યાર્થીઓને ઘર મળવામાં મુશ્કેલી થઈ રહી છે. એવામાં અહીં તમને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રહેવાની કેવા-કેવા પ્રકારની સુવિધા મળે છે, કેવા મકાનો મળી શકે અને તે વિકલ્પો કેવી રીતે શોધવા.

સૌથી પહેલા જાણી લઈએ કે કેનેડામાં ભણવા માટે આવેલા વિદ્યાર્થીઓને ઓન કેમ્પ્સ અને ઓફ કેમ્પસ રહેઠાણની સુવિધા મળી રહે છે. પહેલા વાત કરી લઈએ કેમ્પસમાં મળતી રહેવાની સુવિધાની. મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને રહેવા માટેની સગવડ પૂરી પાડે છે. અમુક રકમનું ભાડું લઈને તેઓ વિદ્યાર્થીઓને રહેવા દે છે. ઓન-કેમ્પસ હાઉસિંગની આ સુવિધાને ડૉમેટ્રિ અથવા રેસિડેન્સ કહેવામાં આવે છે. કેમ્પસ ડોમેટ્રિ અને રેસિડેન્સના ઘણાં ફાયદા છે કારણકે તે યુનિવર્સિટી કેમ્પસની નજીક જ હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચી જાય છે. ઉપરાંત તમને અન્ય દેશોના વિદ્યાર્થીઓ સાથે રહેવાની તક મળે છે જેના કારણે એકબીજા સાથે પરિચય વધે છે અને નેટવર્ક બનાવી શકાય છે. મોટાભાગે કેમ્પસમાં જ રહેવાથી પ્રમાણમાં ખર્ચ ઓછો થાય છે અને કોલેજ તરફથી પૂરી પાડવામાં આવતી વધુ સુવિધાઓ તેમજ સપોર્ટ સર્વિસનો લાભ ઉઠાવી શકાય છે. મોટાભાગના કેમ્પસ રેસિડેન્સ અને ડોમેટ્રિમાં એક બેડ સાથેનો સિંગલ રૂમ અથવા તો બે બેડ સાથેનો ડબલ રૂમ હોય છે.

આ રૂમોમાં બેડ ફ્રેમ, ગાદલું, ડેસ્ક, ખુરશી અને કબાટ હોય છે. જ્યારે કિચન, વોશરૂમ અને લાઉન્જ જેવી અન્ય સુવિધાઓ તમારા ફ્લોર પર અથવા બિલ્ડિંગમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરવાની હોય છે. મતલબ કે, કોમન કિચન-વોશરૂમ હોય છે. કેમ્પસ આવાસમાં બીજો પ્રકાર છે અપાર્ટમેન્ટ કે સ્વીટનો. જેમાં અન્ય સુવિધાઓ તો ડોમેટ્રિ જેવી જ હોય છે પરંતુ સ્વતંત્રતા વધુ મળે છે. અહીં અપાર્ટમેન્ટ કે સ્વીટમાં પાંચ વિદ્યાર્થીઓ સાથે રહી શકે છે. આ અપાર્ટમેન્ટમાં કિચન, વોશરૂમ અને લિવિંગ રૂમની સુવિધા હોય છે. ડોમેટ્રિની જેમ આ અપાર્ટમેન્ટમાં પણ જરૂરિયાતનું ફર્નિચર અને સામાન, લોન્ડ્રી અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ મળી રહે છે. ઘણાં વિદ્યાર્થીઓ પહેલા વર્ષનો અભ્યાસ પૂરો કર્યા પછી કેમ્પસ છોડીને બહાર રહેવા જવાનું પસંદ કરે છે. તમે કેટલા સમય માટે રહેવાના છો તેના આધારે મકાન ભાડે લઈને રહી શકો છો અથવા કોઈ ઓળખીતાના ઘરે રહી શકો છો.

વિદ્યાર્થીઓ પોતાના બજેટ પ્રમાણે, ઘર કે એપાર્ટમેન્ટ ભાડે લઈને અન્ય સાથી વિદ્યાર્થીઓ સાથે રહી શકે છે. આ સિવાય અન્ય એક વિકલ્પ છે સબલેટિંગ. મતલબ કે, અન્ય કોઈ વિદ્યાર્થી થોડા મહિના માટે કોલેજથી દૂર જવાનો હોય તો તમે તેના મકાનમાં રહી શકો છો. સબલેટનો સમયગાળો અમુક મહિનાથી માંડીને વર્ષ સુધીનો હોય છે. સબલેટ અંતર્ગત પણ તમને જરૂરિયાતની બધી જ સુવિધા મળી રહે છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પસંદ આવતો અન્ય એક વિકલ્પ હોમસ્ટેનો છે. જેમાં વિદ્યાર્થી મકાનમાલિકની સાથે જ તેમના ઘરના એક રૂમમાં રહે છે. આ વિકલ્પ વધુ વ્યાજબી સાબિત થઈ શકે કારણકે વિદ્યાર્થીઓને બે ટંકના ભોજન અને રૂમના જ પૈસા ચૂકવવાના હોય છે. આ ખર્ચ ભાડાના મકાન અને સબલેટિંગ અપાર્ટમેન્ટ કરતાં ઓછો હોય છે. આ તો વાત થઈ કે, કેનેડામાં વિદ્યાર્થીઓ રહેવા માટે કેવા પ્રકારના વિકલ્પો પસંદ કરી શકે છે. પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે, કેનેડામાં આવ્યા પછી મકાન શોધવું કઈ રીતે? ઘર શોધવા માગતા વિદ્યાર્થીએ સૌથી પહેલા તો જે-તે કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવાના હો તેના હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં જવું પડે છે. તેઓ હાઉસિંગના વિકલ્પો અને જે સુવિધા પૂરી પાડતા હશે તે તેમજ કેટલો ખર્ચ થશે તેની વિગતો આપશે. ઉપરાંત રહેવા માટે યોગ્ય વિસ્તાર કયો છે તે સૂચવશે અને રેન્ટ એગ્રીમેન્ટ સમજવામાં પણ મદદ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.