
કોઈનો પણ સીઆઈઆર લેવાય તોMMS-ઈમેલથી જાણ કરવી પડશે
નવી દિલ્હી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખી એક નવો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા દરેક ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને સુચના આપવામાં આવી છે કે, જ્યારે પણ બેંક અથવા એનબીએફસીકંપની દ્વારા કોઈ વ્યક્તિનો ક્રેડિટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (સીઆઈઆર) લેવામાં આવે તો તેની સુચના એમએમએસ અને ઈમેલ દ્વારા આપવી પડશે.
કેન્દ્રીય બેંક દ્વારા ક્રેડિટ ઈન્સ્ટીટયુશન અને ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીની કસ્ટમર સર્વિસ અને ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલના સમયમાં કોઈ વ્યક્તિ દ્વારા બેંકમાં લોન માટે અરજી કર્યા પછી મોટાભાગે એવું જોવા મળતું હતું કે, ગ્રાહકો પાસે બીજી બેંકોની ઓફર્સ અને કોલ આવવા લાગતા હતા. તેની પાછળનું કારણ ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપની દ્વારા તે વ્યક્તિનો ક્રેડિટ રિપોર્ટ અન્ય બેંકોને શેર કરવામાં આવતો હતો. અને આ જાણકારી લોન માટે અરજી કરનાર વ્યક્તિને નથી હોતી.
કેન્દ્રીય બેંક દ્વારા દરેક ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને સુચના આપવામાં આવી છે કે, જ્યારે પણ બેંક અથવા એનબીએફસી કંપની દ્વારા કોઈ વ્યક્તિનો ક્રેડિટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (સીઆઈઆર) લેવામાં આવે તો તેની સુચના એમએમએસઅને ઈમેલદ્વારા આપવી જોઈએ. આરબીઆઈએ બેંકો અને એનબીએફસીની સલાહ આપી છે કે એક જાગૃતતા કેમ્પેઈન ચલાવો અને મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી દ્વારા વધુમાં વધુ ગ્રાહકો સુધી ફાયદાઓ પહોચાડો.
આરબીઆઈતરફથી જાહેર કરાયેલ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ક્રેડિટ ઈન્ટીટયુશનને ગ્રાહકોને કેલેન્ડર વર્ષમાં એકવાર ફ્રી ક્રેડિટ રિપોર્ટ આપવો જોઈએ. અને તેના માટે વેબસાઈટ પર એક લિંક પણ મુકવામાં આવશે, જેથી ગ્રાહક સરળતાથી ફ્રીમાં ક્રેડિટ રિપોર્ટ મેળવી શકે.તમને જણાવી દઈએ કે ,RBI ના નવા નિયમોનો સર્કુલર ૨૬ ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ નિયમ સર્કુલર જાહેર કરાયાના છ મહિનાપછી લાગુ થશે.