સસરાએ બળાત્કાર કર્યા બાદ પતિએ ગર્ભવતી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૧૮ વર્ષ પહેલા મુઝફ્ફરનગરમાં ઈમરાના કાંડે ખૂબ ચર્ચા જગાવી હતી. ઈમરાનાના સસરાએ તેની સાથે સંબંધ બાંધ્યો હતો અને આખો કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આરોપી સસરાને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. આ જ પ્રકારની ઘટના હવે ફરી એકવાર બની છે. ઈમરાના કાંડનું પુનરાવર્તન થયું છે. આ વખતે એક સસરાએ ગર્ભવતી પુત્રવધૂ સાથે બળાત્કાર કરીને તેને મોં બંધ રાખવાની ધમકી આપી હતી. પીડિતાએ જ્યારે પોતાના પતિને સમગ્ર ઘટનાની જાણ કરી તો તેણે પત્નીની મદદ કરવાના બદલે તેને પોતાની મા ગણાવી હતી.

પીડિતાએ સસરા અને પતિ સામે કેસ દાખલ કર્યો છે. આ ઘટના મુઝફ્ફરનગરના કકરોલીનો છે. અહીંની એક મહિલાના લગ્ન એક વર્ષ પહેલા મીરાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામમાં થયા હતા. મહિલાનો આરોપ છે કે, લગ્ન પછીથી જ તેના સસરાએ તેના પર નજર બગાડવાનું શરૂ કર્યું હતું. ૫ જુલાઈએ મહિલાનો પતિ દવા લેવા ગયો હતો ત્યારે સસરાએ એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ મોં બંધ રાખવાની ધમકી પણ આપી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેણે પોતાના પતિને બળાત્કારી સસરાની ફરિયાદ કરી ત્યારે તેનો સાથ આપવાને બદલે પતિએ અલગ જ રાગ આલાપ્યો.

પતિએ કહ્યું કે, તેણે તેના પિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાથી શરીયત પ્રમાણે તે તેને પોતાની સાથે નહીં રાખી શકે. હવે તે તેની પત્ની નથી રહી અને મા સમાન થઈ ગઈ છે. મહિલાનો આક્ષેપ છે કે, તેના પતિએ મારઝૂડ કરીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. મીરાપુર પોલીસે ૭ સપ્ટેમ્બરે મહિલાના પતિ અને સસરા સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર મહિલા સાત મહિનાની ગર્ભવતી છે. ૨૦૦૫માં ઈમરાના કાંડ પણ ચર્ચામાં આવ્યો હતો. ઈમરાનાના સસરા અલી મોહમ્મદે પણ તેની સાથે રેપ કર્યો હતો. ઈમરાનાએ પરિવારને આ વિશે જાણ કરતાં તેમણે ચૂપ રહેવાની સલાહ આપી હતી.

જોકે, ઈમરાનાએ ફરિયાદ કરી અને સ્થાનિક કોર્ટમાં કેસ ચાલ્યો. સસરા દોષિત સાબિત થયા. તેને રેપ કેસમાં સજા થઈ અને હાઈકોર્ટે પણ નીચલી અદાલતનો ચુકાદો માન્ય રાખતાં સજા ચાલુ રાખી હતી . ૬ જૂન ૨૦૦૫ના રોજ બનેલી આ ઘટના ત્યારે ચર્ચામાં આવી જ્યારે અલ્પસંખ્યક સમુદાયના પંચાયતે ફરમાન જાહેર કર્યું કે, રેપ બાદ ઈમરાના પોતાના પતિને દીકરો માને. પંચાયતે નિકાહ રદ્દ થયા હોવાની વાત કરી હતી. પંચાયતના આ આદેશ છતાં ઈમરાનાએ કૂકરા ગામમાં પોતાના પતિ નૂર ઈલાહી સાથે રહેવાનું ચાલુ રાખ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.