
મુંબઈ-પુણેમાં ભારે વરસાદ, 24 કલાકનું રેડ એલર્ટ ; તેલંગાણામાં 30 નાં મોત
હૈદરાબાદ પછી હવે મહારાષ્ટ્રના મુંબઈ અને પુણે સહિત ઘણા વિસ્તારોમાં બુધવાર રાતથી મૂશળધાર વરસાદ ચાલુ છે. પુણેના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. અહીં ઘર, રસ્તાઓ, ગલીઓમાં ઘૂંટણથી વધુ પાણી ભરાઈ ગયાં છે. મૌસમ વિભાગે મુંબઈ, થાણે સહિત ઉત્તરી કોંકણના ઘણા વિસ્તારોમાં ગુરુવારે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. બીજી તરફ, તેલંગાણામાં મંગળવારે અને બુધવારે થયેલા વરસાદને કારણે ખરાબ થયેલી સ્થિતિને પગલે મૃત્યુ પામનારાઓનો આંકડો 30 થયો છે.
મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં પાણી ભરાયાં છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે રસ્તે ચાલતા જતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.
પુણેના પૂરગ્રસ્ત નીમગામના કેતકીમાંથી બુધવારે 40 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. બારામતીના એસડીઓના જણાવ્યા મુજબ, 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 15 અન્ય લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે ઈન્દાપુરમાં એક વ્યક્તિ ઝડપથી વહેતા પાણીમાં વહી રહી હતી. જોકે સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી તેને બચાવી લીધી. જોરદાર વરસાદને કારણે મુંબઈના સાયન પોલીસ સ્ટેશન અને કિંગ્સ સર્કલમાં પણ રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે.
ભારે વરસાદને કારણે શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરની પાસે પણ રસ્તાઓ પર પાણી ભરાયાં છે. વરસાદને કારણે પુણેના ઘણા વિસ્તારોમાં મોડી રાતથી વીજળી નથી.
તેલંગાણાના ઘણા વિસ્તારોમાં મંગળવારથી ચાલી રહેલા વરસાદને કારણે મૃત્યુ પામનારાઓનો આંકડો 30એ પહોંચી ગયો છે. તેમાંથી 19 મોત માત્ર ગ્રેટર હૈદરાબાદમાં નોંધાયાં છે, જ્યારે ચાર લોકો ગુમ છે. આ વિસ્તારમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. ઘણી કાર પાણીના ઝડપી વહેણમાં વહી ગઈ હતી. બુધવારે બંડલ ગામ વિસ્તારમાં એક ઘર પર પથ્થર પડવાથી બે મહિનાની બાળકી સહિત નવ લોકોનાં મોત થયાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અને આંધ્રપ્રદેશના સીએમ વાય. એસ. જગન મોહન રેડ્ડી સાથે વાત કરી છે. તેમણે બંને રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી લીધી અને દરેક શકય મદદનો ભરોસો આપ્યો.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ બુધવારે હૈદરાબાદના નીચલા વિસ્તારોની મુલાકાત લીધી, જ્યાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમણે કહ્યું હતું કે છેલ્લાં 40 વર્ષમાં હૈદરાબાદમાં આટલી ખરાબ સ્થિતિ ક્યારેય સર્જાઈ નથી. સમગ્ર શહેર પાણીમાં ડૂબી ગયું છે. શહેરનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે.