દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઇ
દેશના 80 ટકા વિસ્તાર સુધી ચોમાસું પહોંચી ગયું છે.જેના પગલે દેશના યુપી,દિલ્હી,પંજાબ,હરિયાણા સહિતના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.આ સિવાય હિમાચલ પ્રદેશના વિવિધ સ્થળોએ વરસાદ,વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો.જેના કારણે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પ્રવાસીઓ રસ્તામાં અટવાઈ ગયા હતા.આમ હવામાન વિભાગ દ્વારા આગામી ચાર થી પાંચ દિવસ સુધી 23 રાજ્યોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.ત્યારે વાદળ ફાટવાને કારણે મંડી જિલ્લાના બાગી નાલામાં અચાનક પૂર આવ્યું જેના કારણે ચંદીગઢ-કુલુ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો.જેમાં ભૂસ્ખલનને કારણે રાજ્યમાં 301 નાના-મોટા રસ્તાઓ બંધ થઈ ગયા છે.આ ઉપરાંત ભારે વરસાદને પગલે વીજળીના 140 ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થઈ ગયા છે.પીવાના પાણી અને સિંચાઈની 1 હજારથી વધુ યોજનાઓમાં કાંપ ભરવાથી પાણી માટે હાલાકી સર્જાઈ છે.શિમલામાં પણ પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે.જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જ્યા અનેક વિસ્તારોમાં પૂરની સંભાવના જોવા મળી રહી છે.જેમા કાશ્મીરને દેશ સાથે જોડતો 250 કિલોમીટર લાંબો નેશનલ હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ કરવો પડયો છે.ત્યારે રામબનમાં આગામી 10મી સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ કરાયો છે.ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે.જેમાં ત્રણ રાજ્ય ધોરીમાર્ગો,બે મુખ્ય જિલ્લા માર્ગો,એક જિલ્લા માર્ગ તેમજ 37 ગ્રામીણ માર્ગોનો સમાવેશ થયો છે.