
સુરતમાં હાર્ટએટેકના સિલસિલો યથાવત, વધુ એકનું મોત
સુરત, રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. ડાયમંડ નગરી સુરતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત છે. ૪૫ વર્ષીય વ્યક્તિને હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. પુરષોત્તમ પાંડેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તહેવાર પર જ મોત થતાં પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.
તાજેતરમાં રાંદેરના ૪૦ વર્ષીય બાબુ ભાઈ પરમારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. તેમને હાર્ટ અટેક આવતા તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. થોડા દિવસ પહેલા સુરતમાં વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. ૨૭ વર્ષિય ,સંજય ચૌહાણનું હાર્ટ એટેકથી મોત થયું હતું. સુરતના બમરોલીમાં વિસ્તામાં યુવક ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘરે બેઠો હતો ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને બાદ હાર્ટ અટેક આવતા તે ઘરમાં જ ઢળી પડયો હતો. પરિવારે તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડયો હતો પરંતુ દુર્ભાગ્યવશ તેમનો જીવ ન હતો બચાવી શકાયો. તબીબે તેમને મૃત જાહેર કર્યો.
સંજયના પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઇ અને માતા-પિતા છે. સંજયના અકાળે નિધનથી પરિવાર આઘાતમાં સરી પડયો હતો. સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમા ૩૫ વર્ષીય યુવાનનું ફોન પર વાતો કરતાં કરતાં હાર્ટ એટેકથી મોત થયુ હતું. મૃતક યુવાન સિકયૂરિટી ગાર્ડ તરીકે નોકરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. ૩૫ વર્ષીય મૃતકનુ નામ પવન ગંગાવિષ્ણું ઠાકુર હતુ અને તે મૂળ બિહારનો વતની હતો, સુરતમાં હાલ તે પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. પવન ફોન પર વાત કરતાં હતો તે સમયે અચાનક તે બેભાન થઇ ગયો હતો. જેથી કંપનીના માણસોએ પવનને કારમાં સારવાર માટે નવી સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પવનને મૃત જાહેર કર્યો હતો.