સરકારને કહ્યું- પુનર્વિચાર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી નવા કેસ નોંધવા નહીં
કેન્દ્ર સરકારે બુધવારે રાજદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે ફરીથી કેન્દ્ર સરકારને IPCની કલમ 124Aની જોગવાઈઓ પર પુનર્વિચાર કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જ્યાં સુધી રિએક્ઝામિનેશન પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી 124A હેઠળ કોઈ કેસ નોંધવામાં આવશે નહીં.
અગાઉ, સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે IPCની કલમ 124A પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ. તેમણે એ પ્રસ્તાવ મૂક્યો હતો કે ભવિષ્યમાં આ કાયદા હેઠળ, પોલીસ અધીક્ષકની તપાસ અને સંમતિ પછી જ FIR નોંધવી જોઈએ.
કેન્દ્રએ કહ્યું હતું કે જ્યાં સુધી પેન્ડિંગ કેસોનો સંબંધ છે, સંબંધિત અદાલતોને આરોપીઓના જામીન પર ઝડપથી વિચાર કરવાનો નિર્દેશ આપવામાં આવી શકે છે. નોંધનીય બાબત એ છે કે રાજદ્રોહના કેસમાં કલમ 124A સંબંધિત 10થી વધુ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.