હરિયાણા સરકારે મનુ ભાકરથી લઈને નીરજ સુધીના ઓલિમ્પિક મેડલ વિજેતાઓને કર્યા માલામાલ, જાણો કોને કેટલા પૈસા મળ્યા
હરિયાણા સરકારે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા રાજ્યના તમામ ખેલાડીઓને ઈનામી રકમ આપી છે. મેડલ જીતનાર ખેલાડીઓને વધુ પૈસા આપવામાં આવ્યા છે, જ્યારે મેડલથી ચુકી ગયેલા ખેલાડીઓને ઓછા પૈસા આપવામાં આવ્યા છે. ઈનામની રકમ તમામ ખેલાડીઓના ખાતામાં જમા થઈ ગઈ છે. હરિયાણા સરકારે મનુ ભાકરને 5 કરોડ રૂપિયા, નીરજ ચોપરાને 4 કરોડ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 2.5 કરોડ રૂપિયા આપ્યા છે.
હરિયાણાના 17 ખેલાડીઓ પણ એવા હતા જેમને એકપણ મેડલ મળ્યો નથી. જો કે સરકારે આ ખેલાડીઓને 15 લાખ રૂપિયાનું માનદ વેતન પણ આપ્યું છે. આ ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને મેડલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. આ કારણોસર આ ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે.
25 ખેલાડીઓને પૈસા આપવામાં આવ્યા
હરિયાણા સરકારે ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા રાજ્યના કુલ 25 ખેલાડીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. તેમાંથી સૌથી વધુ રકમ શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડી મનુ ભાકરને આપવામાં આવી છે. હરિયાણા સરકારે મનુ ભાકરના ખાતામાં 5 કરોડ રૂપિયા મોકલ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે એકમાત્ર સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપરાના ખાતામાં 4 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. નીરજે ગત ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. જોકે આ વખતે તેને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. આગામી ઓલિમ્પિકમાં પણ તેની પાસેથી ગોલ્ડની અપેક્ષા રાખવામાં આવશે.