
મુંબઈમાં 1000 કરોડનું ડ્રગ્સ મળ્યું : પકડાયા તો કહ્યું ‘આયુર્વેદિક દવા છે!’
નવી મુંબઈ પોર્ટ પરથી અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવેલો નશાકારક અને પ્રતિબંધિત ડ્રગ્ઝનો ભારે મોટો જથ્થો ઝડપાયો છે. અંદાજે 1000 કરોડની કિંમતનાં ડ્રગ્સને પ્લાસ્ટિકની પાઈપમાં છૂપાવીને અફઘાનિસ્તાનથી ઈરાનના રસ્તે લાવવામાં આવ્યું હતું. જે પાઈપમાં ડ્રગ્સ છુપાવીને લાવવામાં આવ્યું હતું, તેને એ રીતે પેઈન્ટ કરવામાં આવી હતી કે તે વાંસના લાકડા જેવી લાગે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ વિભાગના અધિકારીઓએ જ્યારે ડ્રગ્સ પકડ્યું ત્યારે શરૂઆતમાં દાણચોરોએ તેને આયુર્વેદિક દવા જણાવી હતી. જ્યારે અધિકારીઓએ તેને છુપાવીને લાવવા વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે, દવા ખરાબ ન થાય તે માટે આ રીતે લાવવામાં આવી હતી. જોકે અધિકારીઓએ વધારે કડક થઈને પૂછપરછ કરી ત્યારે દાણચોરોએ તે ડ્રગ્સ હોવાની વાત સ્વીકારી હતી.
ત્યારપછી કાર્યવાહી કરીને ડ્રગ્સના ઈમ્પોર્ટના દસ્તાવેજ તૈયાર કરનાર બે કસ્ટમ એજન્ટની મુંબઈથી અને એક આયાતાકાર અને ફાઈનાન્સરની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. બન્નેને મુંબઈ લાવવામાં આવ્યા છે.