
દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર,સતત ચોથા દિવસે હવા અત્યંત ખરાબ
ભારતના મેટ્રોપોલિટન શહેરોમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. સ્વિસ જૂથ IQAirના રિયલ-ટાઇમ ડેટા અનુસાર, રવિવારે (5 નવેમ્બર) વિશ્વના પાંચ સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ત્રણ ભારતીય શહેરોનો સમાવેશ થાય છે. આમાં દિલ્હી ટોચ પર છે. કોલકાતા ત્રીજા અને મુંબઈ પાંચમા ક્રમે છે.
IQAirના સવારે 8 વાગ્યાના ડેટા અનુસાર દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 492 નોંધાયો હતો. છેલ્લા ચાર દિવસથી અહીંની હવા ઝેરી બની છે. તે જ સમયે, આજે કોલકાતામાં AQI 204 અને મુંબઈમાં AQI 168 હતો.
ભારતનાં ત્રણ શહેરો સિવાય ટોપ-5ની યાદીમાં બાકીનાં બે શહેરો પાકિસ્તાન અને બાંગ્લાદેશના છે. ખરાબ હવાના મામલે લાહોર બીજા સ્થાને છે જ્યારે બાંગ્લાદેશની રાજધાની ઢાકા ચોથા સ્થાને છે.