દિલ્હીનું રાજકારણ ગરમાયું : ભાજપે પી.આર સ્ટંટ ગણાવ્યું અરવિંદ કેજરીવાલ રાજકીય દાવપેચમાં માહેર
જાણી જોઈને રાજીનામાની વાત કરે છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. ભાજપે આને પી.આર સ્ટંટ ગણાવ્યું છે. ભાજપનું કહેવું છે કે કેજરીવાલને કોર્ટની શરતોથી રાજીનામું આપવાની ફરજ પડી છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું, આ અરવિંદ કેજરીવાલનો પી.આર સ્ટંટ છે. તેઓ સમજી ગયા છે. કે દિલ્હીના લોકોમાં તેમની છબી ઈમાનદાર નેતાની નથી પરંતુ ભ્રષ્ટ નેતાની છે. આજે આમ આદમી પાર્ટી દેશભરમાં ભ્રષ્ટ પાર્ટી તરીકે ઓળખાય છે, તેના પી.આર સ્ટંટના ભાગરૂપે તે તેની છબી પુનઃસ્થાપિત કરવા માંગે છે. આજે તેઓ સમજી ગયા છે કે આમ આદમી પાર્ટી દિલ્હીની ચૂંટણી હારી રહી છે અને દિલ્હીના લોકો તેમના નામે વોટ આપી શકતા નથી, તેથી તેઓ બીજા કોઈને બલિનો બકરો બનાવવા માંગે છે.