દિલ્હીના સીએમની વધી શકે છે મુશ્કેલી! ‘કેજરીવાલને આરોપી તરીકે હાજર થવું જોઈએ’, કોર્ટે સમન્સ જારી કર્યું
દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું છે. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ સીબીઆઈ જજ કાવેરી બાવેજાએ સીએમ અરવિંદ કેજરીવાલ સહિત ચાર્જશીટમાં નામ આપવામાં આવેલા તમામ આરોપીઓને સમન્સ જારી કર્યા છે અને તેમને 11 સપ્ટેમ્બરે આરોપી તરીકે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
અરવિંદ કેજરીવાલ હાલમાં તિહાર જેલમાં છે, તેથી કોર્ટે કેજરીવાલને રજૂ કરવા માટે પ્રોડક્શન વોરંટ જારી કર્યું છે. જોકે, કોર્ટે કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી આપી છે. મળતી માહિતી અનુસાર, AAP નેતા દુર્ગેશ પાઠક, અમિત અરોરા, આશિષ માથુર, પી શરદ રેડ્ડી, વિનોદ ચૌહાણને પણ દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં આરોપી તરીકે સમન્સ મોકલવામાં આવ્યા છે.