
જે.ડી.એસના નેતા શિવાનંદ પાટિલનું હાર્ટએટેકથી નિધન થયું
આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાં જનતા દળ સેક્યુલર પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.જેમાં પાર્ટીના નેતા શિવાનંદ પાટિલનું મોડીરાત્રે હાર્ટએટેકથી નિધન થયું હતું.જે અંગે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીએ જાણકારી આપી છે.આગામી વિધાનસભાની ચૂંટણી માટે સિંદગી મતવિસ્તારમાંથી ઉમેદવાર બનાવવામાં આવેલા શિવાનંદનું નિધન થયું છે.આમ આ માહિતીથી પાર્ટી કાર્યકર્તાઓને ભારે આંચકો લાગ્યો છે.શિવાનંદ વિજયપુરામાં પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીના નેતૃત્વમાં જે.ડી.એસ પંચરત્ન રથયાત્રામાં સામેલ થયા હતા.ત્યારબાદ તેઓ બપોરે સિંદગી સ્થિત પોતાના ઘરે જવા રવાના થયા હતા.ત્યારે ઘરે નજીકના સંબંધી સાથે વાત કરતી વખતે અચાનક તેમને હાર્ટએટેક આવ્યો હતો.ત્યારબાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નથી.