કોરોનાની બીજી લહેર, સરકારની ચેતવણી- ફેસ્ટિવલ સીઝનમાં બેદરકારી ન દાખવશો, ઘરમાં જ તહેવારો ઉજવો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે ફેસ્ટિવલ સીઝન પહેલાં ફરી એક વખત કોરોનાને લઈને લોકોને સચેત કર્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગુરૂવારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે હજુ પણ બીજી લહેર ખતમ થઈ નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે તહેવારો દરમિયાન સામૂહિક સમારંભોથી બચવાની સલાહ આપી છે.

ભૂષણે કહ્યું કે જો કોઈ સમારંભમાં જવું જરૂરી છે તો સંપૂર્ણપણે વેક્સિનેશન થયા પછી જ જાય. સ્વાસ્થ્ય સચિવે લોકોને ઘરમાં તહેવારની ઉજવણી કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને વેક્સિનેશનને અપનાવવાની સલાહ આપી છે.

ભૂષણે વધુમાં જણાવ્યું કે 10 મે પછી દેશમાં કોરોના પોઝિટિવિટી રેટમાં ઘટાડો જોવા મળ્યો છે. તેઓએ એમ પણ કહ્યું કે બીજી વેવ હજુ ખતમ નથી થઈ. દેશભરમાં ગત સપ્તાહે કોરોનાના કુલ કેસમાંથી 69% કેસ એકલા કેરળમાંથી જ આવ્યા છે. કેરળમાં હાલ એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. જૂનના મહિનામાં 279 જિલ્લામાં રોજ 100થી વધુ કેસ સામે આવ્યા હતા. હાલ પણ 42 જિલ્લામાં કોરોનાના દરરોજ 100થી વધુ કેસ સામે આવી રહ્યાં છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા 10 હજારથી એક લાખ વચ્ચે છે. અન્ય રાજ્યોમાં આ સંખ્યા 10 હજારની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના લગભગ 300 કેસ સામે આવ્યા છે.

દેશની 54% વયસ્ક વસતિએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે જ્યારે 16% વયસ્ક વસતિએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. સિક્કિમ, દાદરા-નગર હવેલી અને હિમાચલ પ્રદેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના 100% વસતિએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. સિક્કિમમાં 36%, દાદરા-નગર હવેલીમાં 18% અને હિમાચલ પ્રદેશમાં 32% વસતિએ વેક્સિનના બંને ડોઝ લીધા છે.

મિઝોરમ, લક્ષદ્વીપ, દમણ અને દીવ, લદ્દાખ અને ત્રિપુરામાં 85%થી વધુ વસતિએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ દેશમાં 18.38 કરોડ લોકોએ વેક્સિન લગાડાવી છે. ઓગસ્ટમાં રોજ સરેરાશ 59.29 લાખ લોકોએ વેક્સિન લગાડાવી છે. આ મહિનાના છેલ્લા સપ્તાહમાં રોજ 80 લાખથી વધુ ડોઝ લગાડવામાં આવતા હતા.

આ 9મો સપ્તાહ છે જ્યારે દેશમાં વીકલી પોઝિટિવિટે રેટ 3% પણ ઓછો રહ્યો છે. દેશના 38 જિલ્લામાં વીકલી પોઝિટિવિટી રેટ 5-10%ની વચ્ચે છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે તમામ દેશ પોતાની જનસંખ્યા, અર્થવ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થાને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્યથી કામ કરે છે. આપણે આ ઉદ્દેશ્યોને પૂર્ણ કર્યા બાદ વેક્સિનને અન્ય દેશને આપવા અંગે વિચારીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.