
દિલ્હીની તિહાર જેલમાં મૂસેવાલાની હત્યાનું રચાયું હતું ષડયંત્ર!
સિદ્ધુ મૂસેવાલાની ધોળે દિવસે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય લકીએ આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. પરંતુ હવે આ હત્યામાં નવો ખુલાસો થયો છે. સિદ્ધુની હત્યા બીજે ક્યાંય નહીં પરંતુ દિલ્હીની તિહાર જેલમાં થઈ હતી. વાસ્તવમાં, લોરેન્સ બિશ્નોઈએ ગોલ્ડી બ્રાર સાથે વિદેશમાં ઘણી વખત વર્ચ્યુઅલ નંબર દ્વારા વાત કરી હતી.
જેલમાંથી જ ગેંગનું સંચાલન
પંજાબ પોલીસ તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે. પંજાબ પોલીસ લોરેન્સને રિમાન્ડ પર લઈ શકે છે. લોરેન્સ બિશ્નોઈ તિહારની જેલ નંબર 8 હાઈ સિક્યોરિટી જેલમાં બંધ છે. તે જેલમાંથી જ ગેંગનું સંચાલન કરે છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગના ઓપરેટિવ્સની સંખ્યા લગભગ 700 છે, જેમાં પ્રોફેશનલ શૂટર્સનો સમાવેશ થાય છે. બિશ્નોઈ દારૂ માફિયાઓ પાસેથી ખંડણી વસૂલ કરે છે. લૉરેન્સ અને તેની ગેંગ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ફેલાયેલી છે. લૉરેન્સનો ક્રાઇમ પાર્ટનર કુખ્યાત ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જથેડી છે, જેના પર એક સમયે 5 લાખનું ઈનામ હતું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા જેથેડીની ધરપકડ કરવામાં આવી હતી.
ધમકી અને ખંડણી માંગવામાં આવી હતી
મૂસેવાલાના પિતા બલકૌર સિંહે પણ દાવો કર્યો છે કે, તેમના પુત્રને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી ધમકીઓ મળતી હતી અને ખંડણી માંગવામાં આવતી હતી. પિતાના કહેવા પ્રમાણે, મૂસેવાલાને ખંડણી માટે અનેક ધમકીભર્યા ફોન આવ્યા હતા. પિતા બલકૌર સિંહે કહ્યું કે, ધમકીઓને કારણે પરિવારે બુલેટપ્રૂફ ફોર્ચ્યુનર કાર પણ ખરીદી હતી. પરંતુ રવિવારે સિદ્ધુ તેના બે મિત્રો (ગુરવિંદર સિંહ અને ગુરપ્રીત સિંહ) સાથે થાર કારમાં ક્યાંક નીકળી ગયો હતો. પિતાએ જણાવ્યું કે સિદ્ધુએ બુલેટપ્રૂફ કાર અને ગનમેન બંનેને ઘરે છોડી દીધા હતા.
બિશ્નોઈ ગેંગ વિરોધી કેમ્પને સમર્થન
લોરેન્સ બિશ્નોઈના સાથી કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી છે. સૂત્રોનું માનીએ તો સિદ્ધુ મૂસેવાલા બિશ્નોઈ ગેંગ વિરોધી કેમ્પને સમર્થન આપી રહ્યો હતો. આ કારણોસર સિદ્ધુ મૂસેવાલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર હતો. સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ દિલ્હીની અલગ-અલગ જેલમાં બંધ ગેંગસ્ટર નીરજ બાવનિયા, ટિલ્લુ તાજપુરિયા અને લોરેન્સ બિશ્નોઈના ઓપરેટિવ્સ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
Tags Delhi's Tihar Jail