CMસ્ટાલિને દૂધની ખરીદી રોકવા કેન્દ્રને લખ્યો પત્ર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચેન્નઈ, કર્ણાટકમાં અમૂલ વર્સીસ નંદિની દૂધ વિવાદ બાદ હવે ગુજરાત સ્થિત સહકારી મંડળી દક્ષિણના રાજ્યમાંથી દૂધ ખરીદવાના પોતાના પગલાના કારણે તમિલનાડુમાં વિરોધનો સામનો કરી રહી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને કહ્યું છે કે, કૈરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (અમૂલ)ને તમિલનાડુમાંથી દૂધ ખરીદવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

અમૂલને કર્ણાટકમાં તાજુ દૂધ વેચવાના તેના પગલાના વિરોધનો સામનો કરવો પડયો હતો. સ્ટાલિને જણાવ્યું હતું કે, અમૂલ જે તમિલનાડુમાં રિટેલ આઉટલેટ્સ દ્વારા તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે, તે હવે તેના બહુ રાજ્ય સહકારી લાઈસન્સનો ઉપયોગ કરીને કૃષ્ણાગિરી જિલ્લામાં ચિલિંગ કેન્દ્રો અને પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. કૃષ્ણાગિરી, ધર્મપુરી, વેલ્લોર, રાનીપેટ, તિરુપથુર, કાંચીપુરમ અને તિરુવલ્લુર જિલ્લાઓમાંથી પણ દૂધ મેળવવાનું આયોજન કરી રહ્યું છે.

અમૂલનું કૃત્ય તમિલનાડુ એવિનના દૂધ શેડ વિસ્તારનું ઉલ્લંઘન કરે છે. જે દાયકાઓથી સાચી સહકારી ભાવનાથી પોષવામાં આવે છે. સ્ટાલિને અમિત શાહને યાદ અપાવતા કહ્યું કે, સહકારી સંસ્થાઓએ એકબીજાના વિસ્તારમાં હસ્તક્ષેપ કર્યા વગર તેમનો વિકાસ થાય એવો આદર્શ રહ્યો છે. તેઓએ કહ્યું કે, આ પ્રકારની ક્રોસ પ્રોકયોરમેન્ટ ઓપરેશન વ્હાઈટ ફ્લડની ભાવનાઓ ની વિરુદ્ઘ છે અને દેશમાં દૂધની અછતની સ્થિતિને જોતા ગ્રાહકો માટે સમસ્યાઓમાં વધારો કરશે, એવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

સરકારી આંકડાઓ દર્શાવે છે કે, એવિન પ્રતિ દિવસ લગભગ ૪.૫ લાખ સભ્યો અને ડેરી ખેડૂતો પાસેથી લગભગ ૩૫ લિટર દૂધ મેળવે છે. આ તમિલનાડુમાં દરરોજ ઉત્પાદિત કુલ દૂધ (૨.૪ કરોડ લિટર)ના માત્ર ૧૪ ટકા છે. તમિલનાડુના ભાજપ યુનિટના પ્રમુખ કે અન્નામલાઈએ કહ્યું કે, સ્ટાલિનનો પત્ર એક ડાયવર્ઝન ડ્રામા છે. એવિનનું દૈનિક દૂધ પ્રાપ્તિનું સ્તર ઘટીને ૨૧ લાખ લિટર થઈ ગયું છે અને તેને સુધારવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.