ચીને સંરક્ષણ બજેટ હવે 209 બિલીયન ડોલર કર્યુ : સતત છઠ્ઠા વર્ષે વધારો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જો કે હજુ અમેરીકા કરતા ચોથા ભાગનું, ચીનની સંસદમાં નવા બજેટની જાહેરાત

ભારત અને અમેરિકા સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે ચીને તેના સંરક્ષણ બજેટમાં 6.8 ટકાનો તોતીંગ વધારો કર્યો છે અને કુલ 209 અબજ ડોલરના નવા બજેટને ચીને મંજૂરી આપી છે. ચીનના વડાપ્રધાન લી કેકીયાંગએ દેશની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસ સમક્ષ આ બજેટ રજૂ કર્યુ હતું. વિશ્ર્વ આખુ જયારે કોરોના મહામારીમાં ફસાયુ છે અને અનેક દેશો માટે વેકસીનના નાણા પણ એક સમસ્યા બની ગઇ છે. તે સમયે દુનિયામાં સૌ પ્રથમ કોરોનાનો ભોગ બન્યા બાદ હાલ આ સંક્રમણથી મુકત થયેલા ચીને ફરી એક વખત તેની રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવા નિર્ણય લીધો છે.

જો કે ચીનના રાષ્ટ્રીય પ્રવકતાએ જાહેર કર્યુ કે અમારી સંરક્ષણ તૈયારી કોઇ દેશ માટે ખતરો નથી પરંતુ મજબૂત આર્થિક વિકાસ માટે સંરક્ષણ શકિત પણ જરૂરી છે અને ચીન તે યથાવત રાખશે. ચીને ગત વર્ષે 196.44 બિલીયન ડોલરનું સંરક્ષણ બજેટ રજૂ કર્યુ હતું. પરંતુ આ વર્ષે ફરી એક વખત તેમાં વધારો કર્યો છે અને સતત 6ઠ્ઠા વર્ષે ચીને પોતાનું બજેટ વધાર્યુ છે. દુનિયાની સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનવા માટે ચીન તેની સરહદીય અને સમુદ્ર હવાઇ તાકાતમાં વધારો કરી રહ્યું છે.

ચીન પ્રતિ વ્યકિત 154 ડોલરનો સંરક્ષણ ખર્ચ કરે છે. જો કે તેમ છતાં તેનું કુલ સંરક્ષણ બજેટ અમેરીકા કરતા ચોથા ભાગનું જ છે. અમેરીકાએ 2021માં 740.5 બિલીયન ડોલરનું સંરક્ષણ બજેટ મંજૂર કર્યુ છે. ચીનના સત્તાવાળાઓએ જાહેર કર્યુ છે કે કોરોના સંક્રમણમાંથી દેશ પૂર્ણ રીતે બહાર આવી જશે અને જીડીપી ફરી 6 ટકાથી ઉપર રહેશે. ચીનની સંસદે આ ઉપરાંત હોંગકોંગમાં જે લોકશાહી માટેની ચળવળ છે તેને ડામવા માટે એક ખાસ કાનૂન પણ પાસ કર્યો છે અને બીજી તરફ હોંગકોંગમાં પણ હવે મર્યાદીત મતાધિકાર સાથેની નવી વ્યવસ્થા લાગુ કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.