
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લીધે વરસાદ તેમજ હિમવર્ષાની સંભાવના
નવી દિલ્હી, દેશમાં ફરી એકવાર બે વેધર સિસ્ટમ સક્રિય થઈ છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયના પ્રદેશને અસર કરશે, જ્યારે બીજું બંગાળની ખાડીમાંથી એક ડિપ્રેશન શ્રીલંકા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે દક્ષિણમાં તમિલનાડુ અને કેરળમાં ૨૪ કલાકમાં ભારે વરસાદની સંભાવના છે.IMDએ કહ્યું કે આગામી દિવસોમાં તાપમાન વધવાથી લોકોને ઠંડીથી પણ રાહત મળશે. આગામી ૨ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ અને ઓડિશાના વિવિધ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે.
આગામી એક સપ્તાહમાં વરસાદની શકયતા નહીંવત છે. એકંદરે, હવામાન ખુશનુમા રહેશે અને લગભગ ૨૦-૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શકયતા છે. દિલ્હી-NCRસહિત ઉત્તર ભારતમાં દિવસના તાપમાનમાં વધારો થયો છે. જો કે, ઉત્તર ભારતના પહાડી જિલ્લાઓમાં હિમવર્ષાના કારણે સવારે અને સાંજે ઠંડી રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહમાં મેદાની વિસ્તારોમાં વરસાદ થવાની આશા નથી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક પશ્ચિમી વિક્ષેપ હાલમાં હિમાલયન ક્ષેત્રને અસર કરી રહ્યું છે,
જેના કારણે હિમાલયના ક્ષેત્રમાં, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં આગામી બે દિવસમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અન્ય સ્થળોએ પણ જોવા મળશે. આને કારણે, આગામી ૨ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે અને ત્યારબાદ કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. આગામી ૨૪ કલાક દરમિયાન પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આ સ્થિતિ બે ચાર દિવસ સુધી રહેશે. સપ્તાહના મોટાભાગના દિવસોમાં દેશના બાકીના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શકયતા નથી.