રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા હવે પરમાણુ ના ભયથી ચિંતિત
રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા હવે પરમાણુ યુદ્ધના ભયથી ચિંતિત છે. અમેરિકાને એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થવાનો ડર છે. આ જ કારણ છે કે જો બાઈડને અમેરિકન દળોને પરમાણુ મિસાઈલ તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. આ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને માર્ચમાં જ એક અત્યંત ગુપ્ત દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા.
જેમાં અમેરિકાની પરમાણુ રણનીતિમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. જે ન્યુક્લિયર એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ તરીકે ઓળખાય છે. મીડિયા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. અમેરિકાને ડર છે કે ચીન, રશિયા અને ઉત્તર કોરિયાની આ ત્રિપુટી ગમે ત્યારે અમેરિકા પર પરમાણુ બોમ્બ વરસાવી શકે છે. તેથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકી દળોને સંભવિત પરમાણુ યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે.
અમેરિકાની પરમાણુ વ્યૂહરચના યોજના હેઠળ અમેરિકાએ પ્રથમ વખત પોતાની વ્યૂહરચના બદલી છે. એવું માનવામાં આવે છે કે અમેરિકાએ ચીનના વધતા પરમાણુ હથિયારોના ભંડારને કારણે સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. અમેરિકા માને છે કે ચીનના પરમાણુ હથિયારો આગામી દાયકામાં અમેરિકાને ટક્કર આપી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને સ્પષ્ટપણે કહ્યું છે કે અમેરિકાને માત્ર ચીન, રશિયા અને ઉત્તર કોરિયાથી પરમાણુ યુદ્ધનો ખતરો છે. તેમાં પણ અમેરિકાની સૌથી મોટી ચિંતા ચીન છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે અમેરિકા અને ચીન વચ્ચે તૂતૂમેમે ચાલુ થઈ છે.
કોઈપણ દેશ વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો સમગ્ર વિશ્વને નુકસાન થઈ શકે છે. જો એકથી વધુ પરમાણુ બોમ્બ વિસ્ફોટ થાય તો પૃથ્વીની આબોહવા વ્યવસ્થા પણ બગડી શકે છે.