આઝાદી કા અમૃત મહોત્સવમાં 5 થી 15 ઓગસ્ટ સુધી ઐતિહાસિક સ્મારકોમાં પ્રવેશ ફ્રી મળશે
દેશની ઐતિહાસિક ઈમારતોમાં આગામી 10 દિવસ સુધી પ્રવેશ ફી લેવામાં આવશે નહીં.જે આદેશ ભારત સરકાર તરફથી જારી કરવામાં આવ્યો છે.આ આદેશ 5 ઓગસ્ટથી લાગુ થશે.જેના હેઠળ પર્યટક 15 ઓગસ્ટ સુધી સમગ્ર દેશની ઐતિહાસિક ઈમારતોમાં ફ્રી માં પ્રવેશ મેળવી શકશે.કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે સમગ્ર દેશમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સુરક્ષિત તમામ સ્મારકો અને સ્થળોમાં પાંચથી 15 ઓગસ્ટ સુધી મફત પ્રવેશની જાહેરાત કરી છે. આ ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ સમારોહના ભાગરૂપે કરવામાં આવી રહ્યુ છે.કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી.કિશન રેડ્ડીએ ટ્વીટમાં કહ્યુ હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ અને 75મા સ્વતંત્રતા દિવસ સમારોહના ભાગરૂપે 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી સમગ્ર દેશમાં પોતાના તમામ સુરક્ષિત સ્મારકો કે સ્થળો પર પર્યટકો માટે પ્રવેશ ફ્રી કરી દેવાયો છે.