વિદેશથી આવતા લોકો સહિત રાજ્યના લોકોને અપીલ મંકીપોક્સના લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવી
કેરળના આરોગ્ય વિભાગે રાજ્યમાં મંકીપોક્સના કેસની પુષ્ટિ કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, 38 વર્ષીય વ્યક્તિ તાજેતરમાં UAEથી પરત ફર્યો છે. 17 સપ્ટેમ્બરના રોજ તેણે મંકીપોક્સના લક્ષણો જોયા પછી પોતાની જાતે જ ક્વોરેન્ટાઇન કરી લીધો હતો.
રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, વ્યક્તિને મંકીપોક્સના લક્ષણો દર્શાવ્યા બાદ ઉત્તર મલપ્પુરમ જિલ્લાની મંજેરી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
મંત્રીએ વિદેશથી આવતા લોકો સહિત રાજ્યના લોકોને અપીલ કરી છે કે જો મંકીપોક્સના લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવી અને આરોગ્ય વિભાગને જાણ કરવી. અગાઉ 9 સપ્ટેમ્બરે દેશમાં મંકીપોક્સના પ્રથમ દર્દીની પુષ્ટિ થઈ હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે વિદેશથી પરત આવેલા એક વ્યક્તિને 8 સપ્ટેમ્બરે મંકીપોક્સની શંકાના આધારે આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો.