
વધુ એક માફિયા ઓછો થયો, યુપીનો કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના STFના એન્કાઉન્ટરમાં ઠાર
યુપીમાંથી માફિયા રાજનો સફાયો થઈ રહ્યો છે. પહેલા અતીક-અહમદ ભાઈની પોલીસ કસ્ટડીમાં હત્યા ત્યાર બાદ મુખ્તાર અંસારી બંધૂઓને સજા અને હવે આવા એક મોટા માફિયાને એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાયો છે.
કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નગર એસટીએફ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. મેરઠમાં યુપી એસટીએફે આ કાર્યવાહી હાથ ધરી છે. એસટીએફને માહિતી મળી હતી કે અનિલ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો છે. આ કારણે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, આ ક્રમમાં તે મેરઠમાં છુપાયો હોવાની માહિતી મળી હતી.
દુજાના સામે રાષ્ટ્રીય રાજધાની અને ઉત્તર પ્રદેશમાં 60થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. દિલ્હી અને યુપીની પોલીસ સતત તેને શોધી રહી હતી. ગયા વર્ષે દિલ્હી પોલીસે દુજાના અને તેના બે સાથીઓની ધરપકડ કરી હતી.
થોડા સમય પહેલા યુપી સરકારે જે 65 ટોચના માફિયાઓની યાદી જાહેર કરી હતી તેમાં નોઈડાના અનિલ દુજાનાનું નામ પણ સામેલ હતું.
કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના 2012થી દિલ્હીની તિહાર જેલમાં બંધ હતો, પરંતુ 2021માં તે જામીન પર બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતા જ અનિલ દુજાનાએ જયચંદ પ્રધાન હત્યા કેસમાં પત્ની અને સાક્ષી સંગીતાને ધમકી આપી હતી.
આ પછી, ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહી કરી હતી અને અનિલ દુજાના સામે છેલ્લા અઠવાડિયામાં બે કેસ દાખલ કર્યા હતા. નોઈડા પોલીસ અને એસટીએફની ટીમની સ્પેશિયલ સેલની ટીમ દુજાનાની ધરપકડ કરવા માટે રોકાયેલા હતા. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન 2 ટીમો સતત 7થી વધુ જગ્યાએ દરોડા પાડી રહી હતી.
અનિલ દુજાના ફરાર થઈ ગયો હતો અને તેને માથા પર 50,000નું ઈનામ જાહેર કરાયું હતું.