રામવિલાસ અમર રહે ના નારાઓ વચ્ચે ચિરાગે પિતાને કાંધ આપી, દીઘાઘાટ પર થશે અંતિમસંસ્કાર
લોકજનશક્તિ પાર્ટી (લોજપા)ના સ્થાપક રામવિલાસ પાસવાનની અંતિમ યાત્રા તેમના પટણા ખાતેના ઘરેથી નીકળી ચૂકી છે. દીઘા ઘાટ પર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પાસવાનની અંતિમ યાત્રા શરૂ થતા અગાઉ એસકે પુરી સ્થિત તેમના નિવાસસ્થાને માહોલ ખૂબ ભાવુક બની ગયો હતો. પુત્ર ચિરાગ પાસવાને જેવી પિતાને કાંધ આપી કે લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. એ સમયે લોકોએ ‘રામવિલાસ અમર રહે’ના નારા લગાવ્યા. જેના પછી પાર્થિવ દેહને સેનાના વાહન પર રાખવામાં આવ્યો હતો. દીઘાઘાટ પર રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવશે.
પાસવાનનો પાર્થિવદેહ શુક્રવારે સાંજે 7.55 વાગ્યે પટણા પહોંચ્યો હતો. ત્યાં એરપોર્ટ પર જ મુખ્યમંત્રી નીતીશ કુમારે રામવિલાસ પાસવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. નીતીશની આંખોમાં ભીનાશ હતી અને ચિરાગ પાસવાન સાથે વાતચીત પણ થઈ. રામવિલાસના પુત્ર અને લોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગે ગત દિવસોમાં નીતીશ પર અનેકવાર આકરા પ્રહારો કર્યા હતા.
રામવિલાસનાં પુત્રી અને જમાઈને પટણા એરપોર્ટની અંદર જવાથી રોકવામાં આવ્યાં તો હંગામો થયો હતો. પુત્રી આશા અને જમાઈ અનિલ કુમાર સાધુએ આરોપ લગાવ્યો હતો કે સુરક્ષાકર્મીઓ તેમને અંદર આવવા દેતા નથી. આ દરમિયાન પહોંચેલા ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની કારને પણ અનિલે રોકી હતી. સુરક્ષાકર્મીઓની ઘણી કોશિશ પછી અનિલ કાર સામેથી હટ્યા હતા. બીજી તરફ, રામવિલાસ પાસવાનના અનેક સમર્થકોએ એવી પણ માગણી કરી હતી કે પાસવાનનો પાર્થિવ દેહ હાજીપુર લઈ જવામાં આવે.
શુક્રવારે પાસવાનનું પાર્થિવ શરીર દિલ્હીમાં તેમના 12 જનપથવાળા સરકારી ઘરે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી. મોદી સાથે ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પણ હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને કોંગ્રેસનેતા રાહુલ ગાંધી પણ પાસવાનને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા.
રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે ગુરુવારે દિલ્હીમાં નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી બીમાર હતા અને 11 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં દાખલ થયા હતા. એઈમ્સમાં 2 ઓક્ટોબરની રાત્રે તેમની હાર્ટ સર્જરી થઈ હતી. આ અગાઉ પણ એક બાયપાસ સર્જરી થઈ હતી.
1969માં પ્રથમવાર ધારાસભ્ય બનેલા પાસવાન પોતાની સાથેના નેતાઓ- લાલુપ્રસાદ યાદવ અને નીતીશ કુમારથી સિનિયર હતા. 1975માં જ્યારે કટોકટીની ઘોષણા થઈ ત્યારે પાસવાનની ધરપકડ કરાઈ હતી, 1977માં તેમણે જનતા પાર્ટીનું સભ્યપદ મેળવ્યું અને હાજીપુર સંસદીય ક્ષેત્રથી જીત્યા હતા. ત્યારે સૌથી મોટા માર્જિનથી ચૂંટણી જીતવાનો રેકોર્ડ તેમના નામે જ નોંધાયો હતો.
2009ની ચૂંટણીમાં પાસવાન હાજીપુરની પોતાની સીટ હારી ગયા હતા. ત્યારે તેમણે એનડીએ સાથે નાતો તોડીને આરજેડી સાથે ગઠબંધન કર્યું હતું. ચૂંટણી હાર્યા પછી આરજેડીની મદદથી તેઓ રાજ્યસભામાં પહોંચ્યા હતા અને પછી ફરીથી એનડીએનો હિસ્સો બની ગયા હતા. 2000માં તેમણે પોતાની લોકજનશક્તિ પાર્ટી (લોજપા) બનાવી. પાસવાને પોતાના રાજકીય જીવનમાં 11 વખત ચૂંટણી લડી અને 9 વખત તેઓ જીત્યા હતા. 12019ની લોકસભા ચૂંટણી તેમણે લડી નહોતી, તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. હાલ મોદીસરકારમાં તેઓ ખાદ્ય તથા ગ્રાહક મામલાઓના મંત્રી હતા. પાસવાનના નામે અનેક ઉપલબ્ધિઓ છે. હાજીપુરમાં રેલવેની ઝોનલ ઓફિસ તેમની જ દેન છે. આંબેડકરજયંતીના દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરવાની પહેલ પાસવાને કરી હતી. રાજનીતિમાં બાબા સાહેબ, જેપી, રાજનારાયણને પોતાના આદર્શ માનનારા પાસવાને રાજનીતિમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. તેઓ મૂળભૂત રીતે સમાજવાદી બેકગ્રાઉન્ડના નેતા હતા.