
કિન્નરોના મૃત્યુ બાદ બુટ ચપ્પલથી મારવામાં આવે છે?
નવી દિલ્હી, ભારતીય સંસ્કૃતિમાં કિન્નરોનું વિશેષ સ્થાન છે. ધાર્મિક ગ્રંથોમાં પણ તેમનો ઉલ્લેખ છે. દેશમાં ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપને પૂજવામાં પણ આવે છે. મહાભારતમાં શિખંડીની ભૂમિકા પરથી પણ તેમના મહત્વનો અંદાજ આવી જાય છે. પરંતુ, અત્યારના સમયમાં ઘણા સ્થળોએ તેમને સન્માન આપવામાં આવતું નથી. તેમની સાથે અમનવીય વ્યવહાર થયા હોવાના પણ ઘણા દાખલા છે. પત્રકાર અને લેખક શરદ ત્રિવેદીએ કિન્નરોના રહસ્યમય જીવન પર બુક લખી છે. તેમાં કિન્નરોના જન્મનું કારણ, સનાતન ધર્મમાં કિન્નરોનું મહત્વ, કિન્નરોના પ્રાર્થના સ્થળ, તેમના વર્ગ, તેમના પરિવાર સહિતની બાબતોની જાણકારી અપાઈ છે.
ખાસ કરીને તેમના મૃત્યુ બાબતે રહસ્ય પરથી પડદો ઉઠાવાયો છે. કિન્નરોનું જીવન તો રહસ્યમય છે જ, આ સાથે તેમના મૃત્યુ અને અંતિમ સંસ્કાર પણ રહસ્યમય ગણાય છે. તેમની અંતિમયાત્રા નીકળતી જોવા મળતી નથી. તેમના અંતિમ સંસ્કાર થતા હોવાનું પણ જોવા મળતું નથી. જેથી આ વિષયો ઉપર અનેક તર્ક થતા હોય છે. કેટલાક લોકો માને છે કે કિન્નરોની અંતિમયાત્રા કોઈ કોઈ જોઈ ન શકે તે માટે મધરાતે કાઢવામાં આવે છે. કેટલાક માને છે કે, તેઓની અંતિમયાત્રા કાઢવામાં આવતી નથી. તેમના પાર્થિવ શરીરને બોરીમાં બંધ કરી અજ્ઞાત સ્થળે દફનાવી દેવાય છે. એક માન્યતા એવી પણ છે કે સામાન્ય વ્યક્તિ મૃતક કિન્નરનો ચહેરો કે સ્મશાન યાત્રા જોઈ લે તો તેને ફરીથી કિન્નરના રૂપમાં જન્મ લેવો પડે છે. એવી પણ ભ્રમણા છે કે, કિન્નરનું મૃત્યુ થઈ જાય ત્યારે તેને બુટ ચપ્પલથી માર મારવામાં આવે છે. મૃત્યુ પામનાર કિન્નરના સાથી શોક પાળવાની જગ્યાએ ખુશી મનાવે છે.
આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે, કોઈ વ્યક્તિ કિન્નરની સ્મશાન યાત્રા કે અંતિમ સંસ્કાર જોઈ જ ન શકે તેવું કેવી રીતે શકય છે? કિન્નર અખાડાના વિત્ત મંત્રી મહંત કામિનીએ આ સવાલનો જવાબ આપ્યો છે. તેઓ કહે છે કે, કિન્નર સામાન્ય માણસ જેવા જ હોય છે. તેઓની પણ સ્મશાન યાત્રા નીકળે છે અને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જોકે, આ પ્રક્રિયામાં કિન્નર સામેલ થતા નથી. જેથી લોકોને મૃતક કિન્નર હોવાનો ખ્યાલ આવતો નથી. તેઓ કહે છે કે, સાત – આઠ સદી પહેલા લોકો કિન્નરોને શ્રાપ તરીકે જોતા હતા. સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં કિન્નરોના અંતિમ સંસ્કાર કરવાની મનાઈ હતી. જેના કારણે તેઓ આંતરિયા સ્થળે ખાડો ખોદીને મૃતક કિન્નરનો પાર્થિવ દેહ દફનાવી દેતા હતા. નદી હોય તો તેમાં દેહ વહાવી દેવાતો હતો. આ પ્રક્રિયામાં ઓછા કિન્નર જ સામેલ થતા હતા. ત્યારબાદ શોષણના ભયથી કિન્નરોએ અંતિમ સંસ્કારમાં સામેલ થવાનું છોડી દીધું. કિન્નરો સમાજનો હિસ્સો છે.