સ્કૂલની શિક્ષિકા સાથે ભાગી ગઈ ૧૭ વર્ષની વિદ્યાર્થિની
જયપુર, ચાર દિવસ પહેલા ૧૭ વર્ષીય છોકરી બિકાનેરના શ્રીડુંગરગઢ પોલીસ સ્ટેશનના હદમાં આવેલી સ્કૂલમાં ભણાવતી તેની ૨૧ વર્ષીય શિક્ષિકા સાથે ભાગી જતાં જબરદસ્ત હોબાળો થયો હતો. રવિવારના રોજ છોકરીના પરિવાર અને સ્થાનિકોએ ધરણા કર્યા હતા. શિક્ષિકા લઘુમતી સમાજમાંથી આવતી હોવાથી ધરણા કરનારે આ કેસને ‘લવ જેહાદ’ ગણાવ્યો હતો. ૩૦ જૂને ધોરણ ૧૨માં આર્ટ્સ સ્ટ્રીમમાં ભણતી વિદ્યાર્થિની ગુમ થયા બાદ તેના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી હતી,
જેમાં તે તેની શિક્ષિકા સાથે ભાગી ગઈ હોવાનું કહ્યું હતું. જે બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ગમે તેમ કરી છોકરીને શોધી લાવવા કહ્યું હતું. આ સાથે શિક્ષિકાની ધરપકડ કરવા માટે પણ ડિમાન્ડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, છોકરી ૩૦ જૂને સ્કૂલે ગઈ હતી અને સાંજ સુધી ઘરે પરત ફરી નહોતી. તેના માતા-પિતાએ સંબંધીઓ તેમજ મિત્રોના ઘરે જઈને શોધખોળ કરી હતી પરંતુ રાત પડી ત્યાં સુધી તેની કોઈ ભાળ મળી નહોતી. પ્રાથમિક તપાસના રિપોર્ટમાં, તેમણે શિક્ષિકા પર છોકરીનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, તપાસ સૂચવે છે કે છોકરી અને તેની શિક્ષિકા ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં હતી અને દેખીતી રીતે બંને ભાગી ગયા હતા. અમે શિક્ષિકા સામે અપહરણનો કેસ નોંધ્યો છે. છોકરી સગીરા છે અને તેની ઉંમર ૧૭ વર્ષ અને પાંચ મહિના છે. જો તે શિક્ષિકા સાથે પોતાની મરજીથી ગઈ હોય તો પણ તે કાયદામાં માન્ય નથી. તેથી અમે શિક્ષિકા સામે અપહરણનો ગુનો નોંધ્યો છે, તેમ બિકાનેર એસપી તેજસ્વીની ગૌતમે જણાવ્યું હતું. પોલીસની ટીમ શિક્ષિકાના પિતા અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરી રહી છે અને તે તેની વિદ્યાર્થિની સાથે કયાં ગઈ હોઈ શકે તે વિશે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
‘અમારી ટીમ રેડ પાડી રહી છે અને બાતમીના આધારે કામ કરી રહી છે. છોકરીને ખૂબ જલ્દીથી શોધી લઈશું તેવી આશા છે. અફવા ફેલાવી સમાજમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા સામે પણ અમે કાર્યવાહી કરીશું’, તેમ તેમણે ઉમેર્યું હતું. બીજી તરફ પ્રદર્શનકારીઓમાંથી એકે પોલીસ પર દોષી સામે જરૂરી કાર્યવાહી કરવામાં વિલંબનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ‘અમે પાંચ સભ્યોની કાર્યવાહી સમિતિની રચના કરી છે. અમે એક બેઠક કરીશ. બાદમાં પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી આગળ શું કરવું છે તે નક્કી કરીશું’. તો છોકરીના પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી ગુમ થઈ ત્યારથી તેઓ શોધખોળ કરી કર્યા છે.
ઘટનાના બે દિવસ બાદ રવિવારે જયપુર રેલવે સ્ટેશન પર એક સીસીટીવી કેમેરામાં આરોપી શિક્ષિકા અને તેમની દીકરી જોવા મળી હતી. બંને રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ૧ પર દેખાઈ ગઈ. જે બાદ બંને કયાં ગઈ તેનો કોઈ કડી મળી રહી નથી. આ સાથે તેમણે અપહરણમાં શિક્ષિકાના બંને ભાઈઓનો પણ હાથ હોવાનું કહ્યું હતું.