
DRDOએ લોન્ચ થયાના 8 મિનિટ પછી 1000 કિલોમીટરની રેન્જવાળી નિર્ભર મિસાઈલનું પરીક્ષણ અટકાવ્યું
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(DRDO)ને 1000 કિલોમીટર રેન્જવાળી નિર્ભર મિસાઈલનું પરીક્ષણ મિશન અધવચ્ચે અટકાવવું પડ્યું હતું. સોમવારે 10:30 વાગ્યે મિસાઈલને બંગાળની ખાડીમાં લોન્ચ કરવાની હતી પણ આઠ મિનિટની અંદર જ મિશન સ્થગિત કરાયું હતું. નિર્ભર મિસાઈલને આગામી દોરના પરીક્ષણ પછી જ સૈન્યમાં સામેલ કરવામાં આવશે.
35 દિવસમાં લોન્ચ થનાર આ 10મી મિસાઈલ છે. ડીઆરડીઓના એક અધિકારીએ જણાવ્યું કે ટેસ્ટિંગ ફેસિલિટી લોન્ચ થયા બાદ મિસાઈલમાં અમુક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેના લીધે મિશનને અધવચ્ચે અટકાવવું પડ્યું હતું. માહિતી અનુસાર આગામી અમુક મહિનાની અંદર ડીઆરડીઓ ફરીથી આ મિસાઈલનું પરીક્ષણ હાથ ધરશે.
800 કિમીની રેન્જવાળી નિર્ભય મિસાઈલને ચીન સાથેની એલએસી નજીક તહેનાત કરાઈ છે. ચીન અને ભારત વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં રાખી આ તહેનાતી અત્યંત મહત્ત્વપૂર્ણ મનાઇ રહી છે. નિર્ભય મિસાઈલ 864.36 કિમી પ્રતિ કલાકની ઝડપે હુમલો કરવામાં સક્ષમ છે.