મહારાષ્ટ્રમાં દર્દનાક ઘટના, બસમાં લાગી ભીષણ આગ, 26 લોકોએ ગુમાવ્યો જીવ
મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા ખાતે સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ હાઈવે પર નાગપુરથી પુણે જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 33 મુસાફરો સવાર હતા. દુર્ઘટના સમયે બધા સૂતા હતા. જ્યારે આગ લાગી ત્યારે આ લોકો પોતાની જાત પર કાબુ મેળવી શક્યા ન હતા. જેમાંથી 26 મુસાફરો જીવતા સળગી ગયા હતા. સાથે જ સાત મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
આ બસ વિદર્ભ ટ્રાવેલ્સની હતી. બસ નાગપુર, વર્ધા અને યવતમાલથી મુસાફરોને લઈને પુણે જઈ રહી હતી. મોડી રાત્રે સિંદખેડારાજાના પિંપલખુટા ગામ પાસે, સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર ડિવાઈડર સાથે અથડાઈને બસ પલટી ગઈ, જેના કારણે બસમાં આગ લાગી ગઈ. દુર્ઘટના સમયે બસમાં સવાર તમામ 33 મુસાફરો સૂઈ રહ્યા હતા.
મુસાફરોની બૂમો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. લોકોએ આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનું કામગીરી હાથ ઘરી હતી . ફાયર બ્રિગેડના જવાનોએ ડ્રાઈવર, કંડક્ટર સહિત આઠ મુસાફરોને સલામત રીતે બચાવ્યા હતા. આગ પર કાબુ મેળવ્યા બાદ જવાનોએ બસની અંદર જઈને તેનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન બસની અંદરનું દ્રશ્ય જોઈ જવાનો ગભરાઈ ગયા હતા. 22 મુસાફરોના મૃતદેહ સળગેલા પડ્યા હતા. કોઈની લાશની પણ ઓળખ થઈ રહી ન હતી.
બારીના કાચ તોડીને આઠ મુસાફરો બહાર આવ્યા હતા
સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, બસ પહેલા સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વેની જમણી બાજુના લોખંડના થાંભલા સાથે અથડાઈ, ત્યારબાદ તે કાબૂ બહાર ગઈ. આ પછી, બસ ઇનકમિંગ અને આઉટગોઇંગ લેન વચ્ચેના કોંક્રિટ ડિવાઇડર સાથે અથડાઈને ડાબી બાજુએ પલટી ગઈ હતી. ડાબી બાજુ વળવાને કારણે બસનો દરવાજો નીચે આવી ગયો હતો, જેના કારણે બહાર નીકળવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. બહાર નીકળવા માંગતા તમામ મુસાફરો બારીના કાચ તોડીને બહાર નીકળી શક્યા હતા.
બસનું ટાયર ફાટવાને કારણે અકસ્માત સર્જાયો હતો
બુલઢાના એસપી સુનીલ કડાસેને જણાવ્યું કે બસ નાગપુરથી પુણે જઈ રહી હતી ત્યારે લગભગ 1.30 વાગે અકસ્માત થયો હતો. ડ્રાઇવરે જણાવ્યું કે ટાયર ફાટવાને કારણે અકસ્માત થયો હતો, જેના કારણે બસમાં આગ લાગી હતી. મૃત્યુ પામેલાઓમાં 3 બાળકો છે અને બાકીના પુખ્ત વયના છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.