દિલ્હીમાં જીત બાદ કેજરીવાલનું કદ વધ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખતરો?

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરી આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. આ બંપર જીત બાદ અરવિંદ કેજરીવાલનું રાષ્ટ્રીય રાજકારણમાં કદ વધશે અને તે વિપક્ષના ચહેરા તરીકે ઊભરી શકે છે. એવી અટકળો પણ થઈ રહી છે કે કેજરીવાલ રાષ્ટ્રીય સ્તર પર પીએમ નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે છે.
 
આ જીત બાદ રાષ્ટ્રીય રાજકારણમાં દિલ્હીના સીએમનું કદ વધવાનું નિશ્ચિત છે, આવામાં વિપક્ષમાં તેઓ મોદી વિરોધી ચહેરા તરીકે ઊભરી શકે છે. જો કે રાજકીય જાણકારોનું માનવું છે કે કેજરીવાલ માટે આ રસ્તો હજુ લાંબો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય નેતા તરીકે ઊભરવામાં હજુ સમય લાગશે.
 
કેટલાક નિષ્ણાંતોના મતે કેજરીવાલે પોતાની જાતને રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કરવા માટે અખિલ ભારતીય સ્તર પર આધાર બનાવવાની જરૂર રહેશે. હજુ આમ આદમી પાર્ટીને ચૂંટણી પંચ દ્વારા પ્રાદેશિક પાર્ટીની જ માન્યતા મળેલી છે. તે ૨૦૧૭માં પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ તરીકે ઊભરી પરંતુ તેની રાષ્ટ્રીય આકાંક્ષાઓને ફટકો ત્યારે પડ્યો જ્યારે ગોવા ચૂંટણી અને ગત બે લોકસભા ચૂંટણીમાં તેને નિષ્ફળતા મળી.
 
આપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પંજાબમાં ચાર લોકસભા બેઠકો જીતી અને ૨૦૧૯માં માત્ર એક બેઠક મળી. જ્યારે દિલ્હીના મતદારોએ આમ આદમી પાર્ટીને સદંતર જાકારો આપી દીધો હતો. કેજરીવાલે ૨૦૧૪માં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસી લોકસભા બેઠક માટે ચૂંટણી લડી અને તે વખતે તેમણે ૩ લાખથી વધુ મતોથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
 
દિલ્હીમા ભાજપના હાથે ૨૦૧૭માં નગર નિગમની ચૂંટણીમાં હાર મળ્યા બાદ આપની રણનીતિમાં ફેરફાર જોવા મળ્યો. તેણે ફરીથી રાષ્ટ્રીય રાજધાનીમાં વિકાસ પર ભાર આપવાનું શરૂ કર્યું. રાજકીય નિષ્ણાંતો અને જેએનયુમાં પ્રોફેસર સંજય પાંડેનું કહેવું છે કે, આ સ્થાનિક ચૂંટણી હતી એટલે એ કહેવું હજુ ઉતાવળભર્યું હશે પરંતુ શું તેઓ આ પ્રદર્શન અખિલ ભારતીય સ્તરે દોહરાવી શકે છે તે કહેવું મુશ્કેલ છે. તેમની પાર્ટી પાસે હજુ કોઈ નક્કર આધાર કે પાયાનું માળખું નથી. હજુ તે પરિપકવ પણ નથી.
 
જેએનયુના પ્રોફેસર કમલ ચિનોયે કહ્યું હતુ કે, ભારતીય રાજ વ્યવસ્થા ખુબ જટિલ છે. અહીં લોકોના અલગ અલગ મત હોય છે. કેજરીવાલે અખિલ ભારતીય નેતા બનવામાં સમય લાગશે. પરંતુ તેમણે જે કર્યું તે દેખાડે છે કે લોકોને જે જોઈએ તે આપીને તથા તેમને સશક્ત બનાવીને અલગ પ્રકારની ચર્ચા શરૂ કરી શકાય છે અને તે મહત્વપૂર્ણ છે. તેમનું કદ વધશે પરંતુ તેમને રાષ્ટ્રીય નેતા બનવામાં સમય લાગશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.