
મિશન મંગલ’ના ડિરેક્ટર જગન શક્તિની મગજની સર્જરી સફળ, આર બાલ્કીએ કહ્યું- હવે ચિંતાનું કોઈ કારણ નથી
મુંબઈઃ
‘મિશન મંગલ’ના ડિરેક્ટર જગન શક્તિનું સોમવાર (૨૭ જાન્યુઆરી)ના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હવે તે આઉટ ઓફ ડેન્જર છે. જગન શક્તિના મેન્ટર ડિરેક્ટર આર બાલ્કીએ ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી.બાલ્કીએ કહ્યું હતું, ‘સર્જરી બાદ જગનની હાલત સુધારા પર છે અને હવે ચિંતાનું કોઈ કારણ નથી.’ જગન શક્તિને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દલીપ તાહિલે કહ્યું હતું, ‘અક્ષય કુમારને સૌ પહેલાં ખબર પડી હતી કે જગનને દાખલ કરવામાં આવ્યો છે અને તેને જેવી ખબર પડી એટલે તેણે તરત જ જગનની જવાબદારી ઉપાડી લીધી હતી.’ ઉલ્લેખનીય છે કે ‘મિશન મંગલ’માં અક્ષય કુમાર, સોનાક્ષી સિંહા, વિદ્યા બાલન, નિત્યા મેનન, તાપસી પન્નુ, શરમન જોશી તથા દલીપ તાહિલ પણ હતાં. સંજય કપૂરે જગન શક્તિને લઈને કહ્યું હતું કે તે ફિટનેસમાં માનનારો વ્યક્તિ છે. તે પ્રાર્થના કરે છે કે જગન ઝડપથી સાજો થઈ જાય.સૂત્રોના મતે, રવિવારે (૨૬ જાન્યુઆરી) જગન શક્તિ ફ્રેન્ડ્સ સાથે વાતચીત કરતો હતો અને અચાનક જ બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. રિપોર્ટ્સમાં જગન શક્તિના બ્રેનમાં ક્લોટ હોવાનું સામે આવ્યું હતું.જગન શક્તિએ અક્ષય કુમાર, વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ સ્ટારર ‘મિશન મંગલ’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. વર્ષ ૨૦૧૯માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડથી પણ વધુ કમાણી કરી હતી. આ ફિલ્મ ભારતના માર્સ ઓર્બિટર મિશન પર આધારિત હતી.જગન શક્તિએ લાંબા સમય સુધી ડિરેક્ટર આર બાલ્કી સાથે કામ કર્યું હતું. તેણે આર બાલ્કીની ‘ચીની કમ’ સહિતની ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. હાલમાં વર્ષ ૨૦૧૪માં રિલીઝ થયેલી તમિળ ફિલ્મ ‘કથ્થી’ની હિંદી રીમેક ‘ઈક્કા’ને લઈ જગન શક્તિ તથા અક્ષય કુમાર વચ્ચે વાતચીત ચાલતી હતી.