
દિલ્હી ચૂંટણી / માતા-પિતાના આશીર્વાદ લઈ અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે કર્યું મતદાન, કહ્યું- ખૂબ કામ કર્યું છે, જીત પાક્કી
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના પરિવાર સાથે મતદાન કર્યું છે. વોટિંગ પહેલાં સીએમ કેજરીવાલે માતા-પિતાને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન માતાએ કેજરીવાલને તિલક પણ લગાવ્યું હતું. કેજરીવાલે મુખ્યમંત્રી ક્વાર્ટરથી થોડે દૂર રાજપુરા રોહના પરિવહન વિભાગમાં મતદાન કર્યું હતું.વોટિંગ પહેલાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મને હનુમાનજીના આશીર્વાદ મળ્યા છે. જ્યારે પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું છે કે, અમારી જીત પાક્કી છે. ૫ વર્ષમાં અમારી સામે ઘણાં પડકારો આવ્યા છે અને અમે દરેક પડકારનો હિંમત પૂર્વક સામનો કર્યો છે. અમને જીત મળવાનો સંપૂર્ણ વિશ્વાસ છે.વોટિંગ પછી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું દરેકને અપીલ કરવા માંગુ છું અને ખાસ કરીને મહિલાઓને કે તેઓ મતદાન કરે. મને આશા છે કે, દિલ્હીના લોકો અત્યાર સુધી કરવામાં આવેલા કામના આધારે જ મતદાન કરશે. મને આશા છે કે આમ આદમી પાર્ટી ત્રીજી વખત પણ જીતશે.