
કોરોનાનો સામનો કરવા માટે મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બીજી વખત વીડિયો કોન્ફોરન્સિંગ કર્યું
નવી દિલ્હી.
કોરોનાના વધતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફોરન્સિંગ કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ પહેલા ૨૦ માર્ચે પણ તેમણે વિવિધ રાજ્યો સાથે ચર્ચા કરી હતી. અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યા ૨૦૦૦ને વટાવી ગઈ છે. આ સંજોગોમાં વડાપ્રધાને અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંક્રમણ સામે લડાવા માટેની વિવિધ રણનીતીઓ પર પણ વાત કરી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સમાચારોની પુષ્ટિ માટે પોર્ટલ બનાવવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્રીય ગૃહ સેક્રેટરી અજય ભલ્લાએ બુધવારે કહ્યું કે તમામ રાજ્યો સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરે. પોતાના ત્યાં સમાચારોની પુષ્ટિ માટે પોર્ટલ બનાવો. સુપ્રીમ કોર્ટે ૩૧ માર્ચે સંક્રમણને રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉન પર સુનાવણી કરી હતી. કોર્ટે ૨૪ કલાકની અંદર કોરોનાવાઈરસ પર નિષ્ણાંતોની સમિતિનું ગઠન કરવા અને લોકોને સંક્રમણ વિશે માહિતી આપવા માટે પોર્ટલ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કેન્દ્રને દરેક સ્થિતિમાં મજૂરોની અવર-જવર રોકવા, તેમના ખાવા, રહેવાની જગ્યા, પોષણ, સ્વાસ્થ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાનું કહ્યું હતું.
૨૯ માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે વિશ્વમાં કોરોના સંકટની ચર્ચા છે. એવામાં બીજી વાત કરવી તે યોગ્ય ગણાશે નહિ. કેટલાક એવા નિર્ણય લેવા પડ્યા છે, જેનાથી ગરીબો હેરાન થયા. તમામ લોકોની ક્ષમા માંગુ છું. હું તમામની હેરાનગતિને સમજુ છું, જોકે કોરોનાની વિરુદ્ધની લડાઈમાં આ સિવાય કોઈ વિકલ્પ ન હતો. મને આવો નિર્ણય લેવાનું મન થતું નથી પરંતુ તમારા પરિવારને સુરક્ષિત રાખવા માંગુ છું. આ કારણે બીજી વખત ક્ષમા માંગુ છું. ૨૪ માર્ચે મોદીએ ૨૧ દિવસ સુધીના લોકડાઉનની જાહેરાત કરી હતી.