
વિસનગર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓએ સિવિલમાં લાવેલા આરોપીની ફરજમાં બેદરકારી દાખવી
વિસનગર શહેર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનામાં સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લાવેલો આરોપી મંગળવારે રાત્રે ભાગી ગયો હતો. આરોપીના જાપ્તામાં ગેરહાજર વિસનગર શહેર પોલીસ મથકના બન્ને પોલીસ કોન્સ્ટેબલને ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે.
કાંસા.એન. એ વિસ્તારમાં આવેલી ધરતીનગર સોસાયટીમાં બન્ને જૂથો વચ્ચે થયેલી મારામારીના કેસમાં ધરતીનગર સોસાયટીમાં રહેતા સલાટ ભરત જેણાભાઈ નામના આરોપી સામે વિસનગર શહેર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જેમાં મારામારીમાં સલાટ ભરતને પણ ઇજાઓ થઈ હોવાથી વિસનગર શહેર પોલીસ મથકના બે કર્મચારીઓના જાપ્તા હેઠળ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો.
જેમાં રાત્રિ દરમિયાન બંને પોલીસ કર્મીઓ ક્યાંય જતા રહ્યા હતા. પોલીસવાળા ગેરહાજર હોવાથી તેનો લાભ લઈ આરોપી ભરત સિવિલમાંથી ભાગી છૂટ્યો હતો. જ્યારે બીજા દિવસે સવારે અન્ય પોલીસ કર્મીઓ પોતાના જાપ્તાની ફરજ બજાવવા માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે આરોપી કે પોતાના પોલીસ કર્મચારીઓ હાજર ન હોવાથી વિસનગર શહેર પોલીસ મથકમાં જાણ કરી હતી.