કુકસમાં પાકિસ્તાની હિન્દુ પરિવારની બે દીકરીનાં ધામધૂમથી લગ્ન

મહેસાણા
મહેસાણા

મહેસાણા નજીકના કુકસ ગામમાં છેલ્લા દોઢ વર્ષથી રહેતા પાકિસ્તાની હિન્દુ પરિવારની બે દીકરીનાં લગ્ન રવિવારે ગ્રામજનોએ ધામધૂમથી કરાવ્યા. ગામલોકોએ ન માત્ર લગ્ન ખર્ચ જ ઉઠાવ્યો પણ એક પરિવારની જેમ લગ્નમાં પણ જોડાયા. દીકરીની વિદાય વેળાએ પરિવારજનોની સાથે ગામલોકોની આંખો પણ ભીંજાઇ.

પાકિસ્તાન છોડીને મિથુભાઇ હોતીભાઇ ઠાકોર સહિત 15 પરિવારો ભારત આવી દિલ્હી રેફ્યુજી કેમ્પમાં રહી પહેલા મહેસાણાના ઇન્દિરાનગરમાં રહેતા પરિચિતને ત્યાં આવીને વસ્યા હતા. ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આ પરિવારો દોઢ વર્ષથી કુકસ ગામે સેંધાભાઇ ચૌધરીના બોર ઉપર રહે છે. આ પરિવારની દીકરી જમનાના લગ્ન રાધનપુરના હમીર સાથે તેમજ નિલમના લગ્ન ઊંઝાના ઉનાવાના સુરજ નામના યુવક સાથે નક્કી થયા.

પરિવાર આર્થિક સદ્ધર ન હોઇ સેંધાભાઇ સહિત ગ્રામજનો મિથુભાઇના ઘરે આવેલા લગ્ન પ્રસંગની તૈયારીમાં લાગ્યા. રવિવારે સવારે રાધનપુર અને ઉનાવાથી વરરાજા જાનૈયાઓ સાથે કુકસ પહોંચ્યા તો ગ્રામજનોએ હોંશભેર વધામણાં કર્યા અને ગ્રામજનોએ રામદેવ પીરના મંદિર પાછળ તૈયાર કરેલા લગ્ન મંડપમાં બંને દીકરીનાં લગ્ન સમાજના રીતરિવાજ મુજબ કરાવ્યા. સાથે મહેમાનો, ગ્રામજનો અને જાનૈયા સહિત 500 માણસોએ એક રસોડે ભોજન પણ લીધું.

અમને લગ્નમાં આવો સહકાર પાકિસ્તાનમાં ના મળે. અહીં સેંધાભાઇ અને ગ્રામજનોએ મંડપ, ભોજન, કરિયાવર સહિતનો તમામ ખર્ચ ઉઠાવી વિચાર્યું ન હોય તેવો સહયોગ આપ્યો છે. અમારો ગામ સાથે કાયમી નાતો બંધાઇ ગયો. > કરમચંદભાઇ ઠાકોર, પાકિસ્તાની હિન્દુ પરિવારના અગ્રણી

અમારી બંને દીકરીના ખૂબ સારી રીતે લગ્ન થયાં. ગ્રામજનોનો અપાર પ્રેમ મળ્યો.આજે અમારા પ્રસંગમાં ગામના લોકો પરિવારના સભ્ય બનીને જોડાઇ પરિવારની હૂંફ પૂરી પાડી.> મિથુભાઇ ઠાકોર, દીકરીના પિતા

કુકસ ગામના સેંઘાભાઇ ચૌધરીએ કહ્યું કે, લગ્નની આમંત્રણ પત્રિકાથી માંડીને લગ્ન સુધીના કામકાજમાં સૌ સહયોગી બન્યા. જેમાં લગ્નમંડપ વીસેક હજારના ખર્ચે ગ્રામજનોએ તૈયાર કર્યો. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોએ લગ્ન રસોડામાં સીધું-કરિયાણું સામાન પૂરો પાડ્યો. ગામના રસોઇયાએ મોહનથાળ સહિત વાનગી સાથે રસોઇ બનાવી આપી. ગ્રામજનોએ સાડીઓ, વાસણ, કપડાં મૂકવાની પેટીઓ વગેરે ભેટ અર્પણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.