
વિસનગરના ખંડોસણ સીમમાં આવેલી એ.એસ.કે મેટલ ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ.4.53 લાખની ચોરી કરી તસ્કરો ફરાર
વિસનગર તાલુકાના ખંડોસણ ગામની સીમમાં આવેલા એ.એસ.કે મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં દિવાળીના તહેવારોમાં અજાણ્યા ચોર ઈસમોએ પ્રવેશ કરી એલ્યુમિનિયમના સ્કેપની પેટીઓ, એક રેફ્રીજરેટર તેમજ ગાડીની બેટરી મળી કુલ રૂ.4,53,500ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.જે ચોરીના બનાવ અંગે ઇન્ડસ્ટ્રીઝના માલિકને જાણ થતાં સીસીટીવી કેમેરામાં ચેક કરતા મેઈન ગેટ દીવાલ પર ચડી ત્રણ ઈસમોએ બુકાની બાંધી આવ્યા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયુ હતુ. આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.વિસનગરની સીનેપ્લસ થિયેટરની પાછળ રામેશ્વર સોસાયટીમાં રહેતા જ્ઞાનચંદ મીઠાલાલ શાહની ખંડોસણ ગામની સીમમાં એ.એસ.કે મેટલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. જેમાં જ્ઞાનચંદ શાહ ગતરોજ બપોરના સમયે કંપની બંધ કરી લોક મારી દિવાળીના તહેવારમાં ઘરે આવ્યા હતા.
જ્યાં લાભ પાંચમના મુહૂર્ત હોવાથી જ્ઞાનચંદ દીકરા વિકાસ સાથે કંપનીમાં પૂજા કરવા આવ્યા હતા. જ્યાં કંપનીના મેઈન ગેટનુ તાળું તૂટેલી હાલતમાં હતું. જ્યાં ગોડાઉનમાં જઈ તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.જેમાં કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચેક કરતા ગત તારીખ 13/11/2023ની રાત્રે કંપનીના મેઈન ગેટની દીવાલ પર ચડી અજાણ્યા ચોર ઈસમોએ બુકાની બાંધી પ્રવેશ કર્યો હતો. જ્યાં અજાણ્યા ત્રણ ઈસમોએ ગોડાઉનમાં પ્રવેશ કરી 44 નંગ પેટીઓ એલ્યુમિનિયમના સ્ક્રેપ, એક રેફ્રીજરેટર તેમજ કંપનીની ગાડીમાંથી બેટરી મળી કુલ રૂ.4,53,500નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી આ બનાવ અંગે જ્ઞાનચંદ શાહે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.