
ગોપીનાળા બહારનો વન-વે માર્ગ પોલીસે ખુલ્લો કરતાં ડેરી રોડ ઉપર ટ્રાફિક વધ્યો
મહેસાણા શહેરમાં ગોપીનાળા બહાર ડેરી રોડ પરનો માર્ગ વન વે કરવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બેરીકેટેડ કરી બંધ કરાયેલો અને બપોરના 12 થી 5 કલાક સુધી જ ખુલ્લા રહેતા આ વન-વેને સવારથી જ ટ્રાફિક પોલીસ દ્વારા ખુલ્લો કરી દેતાં ડેરી રોડ ઉપર વાહનચાલકો આમને સામને આવી રહ્યા છે.
જેને લઇ આ રોડ પર તેમજ ગોપીનાળા બહારના ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા વધુ વકરી છે. શહેરમાંથી રાધનપુર ચાર રસ્તા તરફ જતાં વાહન ચાલકો માટે ડેરી રોડનો માર્ગ ગોપીનાળા બહાર જ બેરીકેટેડ મૂકી બંધ કરી ઘણા સમયથી વન વે જાહેર કરાયેલો છે અને ડેરી રોડ પર માત્ર રાધનપુર ચાર રસ્તાથી આવતા વાહનો જ પસાર થાય છે. જ્યારે રાધનપુર ચાર રસ્તા ઉપર મહેસાણા-2માં જવા વાહન ચાલકો મગપરામાં થઈ રાધનપુર ચોકડી પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરાયેલી છે. જેને લઇ ગોપીનાળા બહારના ચાર રસ્તા ઉપર અને ડેરી રોડ પર ટ્રાફિકની સમસ્યાનો પણ ઉકેલ થઈ ગયો હતો.
વન-વે જાહેર કરાયેલ ડેરી રોડ પર બપોરે ટ્રાફિક ન હોય તેવા સમયે 12 થી 5 કલાક સુધી ખુલ્લો કરવામાં આવતો હોય છે. તે સિવાય માત્ર ટુ-વ્હીલર માટે જ થોડી જગ્યા કરી ખુલ્લો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક પોલીસ દ્વારા સવારથી જ બેરીકેટેડ દૂર કરી ડેરી રોડ પરનો વન-વે ખુલ્લો કરી દેવાતાં રાધનપુર ચાર રસ્તાથી શહેરમાં આવતાં અને શહેરમાંથી રાધનપુર ચાર રસ્તા પર જતાં વાહન ચાલકો ડેરી રોડ પર આમને સામને આવી જાય છે અને ઘર્ષણના બનાવો પણ બને છે. બીજી તરફ, વન વે ખુલ્લો કરાતાં ગોપીનાળા બહારના ચાર રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા સવારે અને રાત્રે વકરી છે.