મહેસાણાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા
મહેસાણા જિલ્લામાં ગઈકાલથી વરસાદી માહોલ જમ્યો છે. ત્યારે ગત મોડી રાત્રે મહેસાણા સહિત તાલુકાઓમાં મેઘો મનમૂકીને વરસ્યો હતો. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. મહેસાણા,કડી,વિજાપુર,ઉંઝા સહિતના પંથકમાં વરસાદને કારણે રોડ પર પાણી ફરી વળ્યાં હતા. ત્યારે રાત્રી દરમિયાન મહેસાણા અમદાવાદ હાઇવે પર ગણેશપુરા નજીક હાઇવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.મહેસાણા જિલ્લામાં આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં કુલ 10.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં બેચરાજીમાં 1.5, મહેસાણામાં 3.5,વિજાપુરમાં 1.5,વિસનગરમાં 1.5,ઊંઝામાં 17 mm, ખેરાલુમાં 10 mm, જોટાણામાં 12 mm,વડનગરમાં 15 mm,સતલાસણામાં 19 mm વરસાદ મળી જિલ્લામાં કુલ 262 mm વરસાદ નોંધાયો હતો.
મહેસાણા શહેરમાં સતત પડી રહેલા વરસાદને કારણે મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા મુખ્ય બસ પોર્ટ પર પાણી ભરાઈ જતા સમગ્ર બસ પોર્ટ સ્વીમગ પૂલમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. તેમજ મહેસાણાના ગોપી નાળામાં પાણી ભરાઈ રહેતા વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા. માલગોડાઉન રોડ પર પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો અને રાહદારી પાણીમાં ચાલીને વહેલી સવારે નોકરી ધધે જતા જોવા મળ્યા હતા. મહેસાણા શહેરમાં સામાન્ય વરસાદ પડે તો પણ કેટલાક વિસ્તારોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ જતા હોય છે. જેમાં હાલમાં પડી રહેલા વરસાદ પગલે મહેસાણાના હીરાનગર ચોકમાં ઢીંચણસમાં પાણી ભરાઈ જતા ત્યાં પણ રહીશોને હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો. તેમજ કેટલાક વાહનો પણ ખોટવાઈ ગયા હતા.