લગ્નની લાલચ આપી પાલનપુર જઈ સતત ત્રણ દિવસ શારીરિક સંબંધ બાંધી મારી નાખવાની ધમકી: યુવક સામે ફરિયાદ
મહેસાણા જિલ્લામાં લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાની ઘટનાઓ દિવસે ને દિવસે પોલીસે ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે વધુ એક આવો બનાવ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસમાં નોંધાવ્યો છે.જેમાં એક 20 વર્ષીય યુવતીને એક યુવકે લગ્નની લાલચ આપી પાલનપુર લઈ જઈ સતત ત્રણ દિવસ શારીરિક સંબંધ બાંધી મારી નાખવાની ધમકીઓ આપતા યુવતીએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
મૂળ પાટણ જિલ્લાના વતની અને હાલ મહેસાણામાં આવેલા એક વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી 20 વર્ષીય યુવતી સાથે માલણ ગામના નરેશભાઈ લક્ષમણભાઈ મકવાણા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. સમય જતાં યુવકે યુવતીને લગ્નની લાલચ આપી યુવતીને પોતાની સાથે લઇ ગયો હતો.જ્યાં યુવક યુવતીને મહેસાણાથી પાલનપુર બસ સ્ટોપ પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો.
યુવકે, યુવતીને 15 જુલાઈથી 17 જુલાઈ સુધી પોતાની સાથે રાખી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.બાદમાં આ મામલે કોઈને કહેવા અંગે મારી નાખવાની ધમકીઓ આપી હતી.સમગ્ર મામલે યુવતીએ પોતાના પરિવારને આ મામલે જાણ કરતા બાદમાં યુવતીએ યુવક સામે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસમાં કલમ 64(1),64(2)ણ 351(3)મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તજવીજ આદરી છે.